
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના હોદ્દેદારોએ નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી;
નર્મદા: આજે તા.૩ જી ડિસેમ્બર,૨૦૨૨ ને શનિવારના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાના રાજપીપલા મુખ્ય મથકે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કાર્યરત દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી જયકુમાર પટેલના નેતૃત્વમાં સંસ્થાના સહયોગથી શ્રી નિલેશ પટેલ, શ્રી સંદીપ પટેલ અને શ્રી અશોકભાઇ પટેલ આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકીત પન્નુ અને નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનની આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા સાથેના રૂબરૂ પરામર્શ દરમિયાન સંસ્થાના પ્રમુખશ્રી જય કુમાર પટેલે તેમની સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. હાલની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારોને તેમના પરિવારજનો સાથે ૧૦૦ ટકા મતદાન કરવાની સાથોસાથ જિલ્લાના અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરી લોકશાહીના આ અવસરમાં ઉત્સાહભેર જોડાવા માટે પ્રેરિત કરવાની કામગીરીનો પણ તેમણે ખ્યાલ આપ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટેના જિલ્લા ચૂંટણીતંત્રના સ્વીપના પ્રયાસોમાં સહભાગી થવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવી જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી આભારની લાગણી વ્યક્ત કરી હતી.