
શ્રોત:ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીશ્રીઓ-કર્મચારીઓએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સામુહિક શપથ લેવાયા:
રાજપીપળા :- સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મુકવા તથા લોકોને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવાના હેતુથી સપ્ટેમ્બર માહ ને દર વર્ષે પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ, જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર સુશ્રી ક્રિષ્નાકુમારી પટેલ, આઇસીડીએસ, આરોગ્ય વિભાગ સહિત સંબધિત અધિકારીશ્રીઓ-કર્મચારીઓએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સામુહિક શપથ લીધા હતા. તેની સાથોસાથ જિલ્લાની ૯૫૨ આંગણવાડી પર આંગણવાડી બહેનો, કાર્યકર બહેનો દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતાં.
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે તાજેતરમાં પોષણ માહ ઉજવણી અંતર્ગત રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી કોઠારીએ પોષણના ૧ થી ૫ સુત્રો જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સેનિટેશન અને પોષ્ટિક આહારનો સમાવેશ થાય છે. દરેક આંગણવાડીમાં આ પાંચ બાબતોને ધ્યાને રાખીને કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સુચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વધુમાં પોષણને લગતા લીફલેટ, પેમ્પલેટ તથા સોશિયલ મેડીયા, ફોન કોલ્સ દ્રારા પોષણ અંગે વધુ માં વધુ લોકજાગ્રુતિ ફેલાય તે અંગે પ્રયત્નો કરવા પર ભાર મુક્યો હતો.
ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર, જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર સુશ્રી ક્રિષ્નાકુમારી પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત સહીત સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.