
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
એકતાનગર ખાતે “દાંડીયાત્રી સ્નેહમિલન સંમેલન” યોજાયું:
દાંડીયાત્રીઓના દેશભક્તિના નારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયુ:
રાજપીપલા: બ્રિટિશ સામ્રાજ્યની કાર્યપ્રણાલીને અહિંસક રીતે પડકારી પૂજ્ય મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા તા. ૧૨ માર્ચ,૧૯૩૦ ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી.
દેશ માટે નામી-અનામી મહાન ચહેરાઓ દ્વારા આપવામાં આવેલા આવા બલિદાનો-ત્યાગથી આજની યુવાપેઢીને અવગત કરાવવા માટે વડાપ્રધાનશ્રીએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે તા.૧૨મી માર્ચ, ૨૦૨૧ ના રોજ પુન: સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૩૮૫ કિમી ૮૧ દાંડીયાત્રીઓની ટુકડીને લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દાંડીયાત્રામાં જોડાયેલા તમામ પદયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત લઈ શકે તે માટે એકતાનગર ખાતે દાંડીયાત્રી સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાંડીયાત્રીઓએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા કરીને લોકોને એકતાનો સંદેશો આપ્યો હતો.
પદયાત્રીઓએ શાળાના પટાંગણમાં શહીદ ભગતસિંહ, ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ચોક ખાતે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર તેમજ શ્રેષ્ઠ ભારત ભવન પાસે આવેલ “મા નર્મદા” ની મૂર્તિને દર્શન-વંદન કરીને વાગડીયા ગામ, નવાગામ અને લીમડી ગામ થઈને સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સમક્ષ પરિસરમાં પોતાની પદયાત્રા સંપન્ન કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના દર્શન કરીને દાંડીયાત્રીઓએ સરદાર સાહેબની ભવ્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રતિમાને જોયા બાદ દાંડીમાર્ચરોના દેશભક્તિના નારાઓથી પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. જ્યાં સૌએ સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરી પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા.
“દાંડિયાત્રી સ્નેહ મિલન સંમેલન” દરમિયાન યોજાયેલી પદયાત્રાનું પ્રતિનિધિત્વ કરતા નર્મદા જિલ્લાના યુવા દાંડીયાત્રીશ્રી સહદેવસિંહ સોલંકીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પુન: શરૂ કરાયેલી દાંડીયાત્રામાં સૌ યુવાનો જોડાયા હતા. તે દેશના પ્રત્યેક નાગરિક તથા યુવાનોને પ્રેરણા પુરી પાડીને તેમનામાં ઉર્જાનું સિંચન કરશે.
આ પ્રસંગે વરિષ્ઠ દાંડીયાત્રીશ્રી ગિરિશભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, બે વર્ષ બાદ ફરી એકવાર અમે સૌ દાંડીમાર્ચરો સરદાર સાહેબની આ પવિત્ર ભુમિ પર પહોંચીને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને ચરિતાર્થ કરવા એકતાના સૂત્રમાં લોકોને બાંધી શકાય તે માટે ભેગા થયા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા