
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ નર્મદા જિલ્લા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર(FPS) માટેની તકેદારી સમિતિની બેઠક યોજાઇ:
નર્મદા: રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને નર્મદા જિલ્લા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લાના કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને દર માસે જિલ્લાની ૨૨૧ જેટલી વાજબી ભાવની દુકાનેથી રાહતદરે NFSA લાભાર્થીઓને કરવામાં આવતાં રેગ્યુલર વિતરણ તથા માહે. મે-૨૦૨૧થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે વ્યક્તિદીઠ ઘઉં-૩.૫૦૦, ચોખા-૧.૫૦૦ ના વિતરણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કે.ડી.ભગત, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ઇનરેકા સંસ્થાના ડૉ.વિનોદ કૌશિક, નર્મદા જિલ્લા આદર્શ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી નયનચંન્દ્ર પુરોહિત, કાનુની માપ વિજ્ઞાન કચેરીના મદદનીશ નિયંત્રકશ્રી, વેપારી મંડળના પ્રતિનિધિશ્રીઓ સહિતના સંબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ યોજાયેલી ઉક્ત બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આવેલ પંડિત દિન દયાલ ગ્રાહકની દુકાનોમાં ગેરરીતિ અટકાવવાં જિલ્લાકક્ષાએ તેમજ તાલુકાકક્ષાએથી કરાયેલી ૩૬ જેટલી તપાસમાં કોઇપણ પ્રકારની ગંભીરક્ષતિઓ જણાયેલ નથી. જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પરથી ઓનલાઇન આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત કરી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો અંતરિયાળ વિસ્તાર હોય અને નેટવર્કની મુશ્કેલી હોય તેવા વિસ્તારોમાં પણ લાભાર્થીઓને નિયત કરાયેલ પુરાવાઓ લઇને અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે.
આ બેઠકમાં કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલાં વાજબી ભાવની દુકાનના સંચાલકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી તેમજ મૃત્યુ પામેલા સંચાલકોના વારસદારોની વારસાઇ સમયસર થઇ જાય તેમજ સરકારશ્રી દ્વારા સહાયની રકમ વારસદારોને મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા અને ઇનરેકા સંસ્થાના ડૉ.વિનોદભાઇ કૌશિકે જરૂરી સુચનો કર્યા હતાં.
ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા બહાર પડાયેલ કોવિડ-૧૯ અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ બગડી ગયેલા કે વાસી ખોરાકની વહેંચણી ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રીઓને પૂરતી તકેદારી રાખવાની ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કે.ડી.ભગતે જરૂરી સૂચના આપી હતી.