
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
દરિયાકાંઠે પ્રાણી લોબીગર સેરાડીફાલ્સીની રેકોર્ડમાં નોંધ કરાવતી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની શોધસ્કોલર્સ વિદ્યાર્થીની:
ગ્રામીણ ટુડે, જૂનાગઢ: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પીએચ.ડી.માં શોધસકોલર્સ તરીકે દરિયાકાંઠાની પ્રાણી પ્રજાતી પર શોધ કાર્ય કરતી ડિમ્પલ પ્રફુલભાઇ ડોડીયાએ અનેરી સિધ્ધી હાંસલ કરી છે.
બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં ઝુલોજી વિભાગનાં પ્રાધ્યાપક ડો. પરેશ પોરીયાનાં માર્ગદર્શનમાં દરિયાઇ પ્રાણીપ્રજાતિ ક્ષેત્રે શોધ કાર્ય કરતી કુ. ડિમ્પલ પ્રફુલભાઇ ડોડીયાએ પોતાનાં સાથી શોધસ્કોલર્સ છાત્રોનાં સંગાથે સૌ પ્રથમ વખત લોબીગર સેરાડીફાલ્સી નામની પ્રાણીની પ્રજાતીની ભારતનાં દરિયાકીનારે નોંધ લીધી છે. જે પ્રજાતી મૃદુકાય પ્રાણી સંપ્રદાયમાં આવે છે. અને એક વિશિષ્ટગ્રુપ તરીકે ઓળખાય છે. જેમાં દરીયાઇ શેવાળમાંથી ક્લોરોપ્લાસ્ટ સંગ્રહ કરીને પ્રકાશસંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાને ક્લેપ્ટોપ્લાસ્ટી કહેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે, કે આ પ્રાણી અગાઉ માત્ર તુર્કી, ઈટાલી, ફ્રાન્સ, ગ્રીસ, ઇઝરાયેલના દરિયા કાંઠેથી જ નોંધાયેલી હોય, આ નોંધ ભારતની તેમજ ગુજરાતની દરિયાઈ જીવવિવિધતામાં એક મહત્વપૂર્ણ ઉમેરો બની રહેશે.
જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના ઝુલોજીનાં પ્રાધ્યાપક ડો. પરેશ પોરીયાનાં જણાવ્યાનુસાર પી.એચ.ડી.નું સંશોધન કાર્ય કરતી વિદ્યાર્થિની કુ. ડીમ્પલ પ્રફુલભાઇ ડોડીયા દ્વારા ગુજરાતનાં દરિયાઈ કિનારેથી દરિયાઈ પ્રાણીની પ્રથમ વખત ભારતના રેકોર્ડમાં નોંધ લેવાઈ છે. તેઓએ લોબીગર સેરાડીફાલ્સી નામની પાણીની પ્રજાતિની ભારતના કિનારે જોવા મળે છે તે દિશામાં પણ ઉત્કૃષ્ઠ અભ્યાસ કર્યો હતો. કુ. ડિમ્પલે પોતાનું શોધકાર્ય/સંશોધન વેરાવળના આદ્રી દરિયા કિનારે હાથ ધર્યુ હતુ. વિદ્યાર્થીની ડીમ્પલ દ્વારા રીસર્ચ કરવામાં આવેલું કાર્ય સ્કોપસ ઈન્ડેક્સ જર્નલમાં પ્રકાશિત થયેલ છે. અને તેની આખરે હાલ નોધ લેવામાં આવી અને તેને ઓથોરાઇઝ સ્ટેટ્સ મળી ગયું છે, હવે આગામી સમયમાં કેન્દ્ર સરકારની જેડસાઈ સંસ્થા તેનું વાર્ષિક મૂલ્યાંકન કરશે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વાઈસ ચાન્સેલર પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ શોધકર્તા વિદ્યાર્થીની કુ. ડિમ્પલ ડોડીયા અને તેમનાં માર્ગદર્શક ડો. પોરીયાને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે રાજ્યનો વિશાળ સાગરતટ અને વૈવિધ્યસભર વનસૃષ્ટી જીવવિજ્ઞાન ક્ષેત્રે શોધકાર્ય સાથે સંકળાયેલ છાત્રો માટે ઉપયોગી બની શકે તેમ છે, ત્યારે યુનિ. દ્વારા આવનાર દિવસોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠત્તમ શોધકાર્ય થકી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ગુજરાતભરમાં અવ્વલ રહેશે. લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસ અને ઝુલોજી વિભાગનાં ડો. જતીન રાવલે કુ. ડિમ્પલને કાર્યસિધ્ધી બાબતે શુભેચ્છા પાઠવી હતી.