
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
એકતા નગર ખાતે પિરામલ ફાઉન્ડેશન દ્વારા “પેયજલા પ્રબુદ્ધ ગામ” અંતર્ગત બે દિવસીય કાર્યશાળા યોજાઈ:
ગુજરાત અને રાજસ્થાનના આકંક્ષી જિલ્લાઓમાં પેયજલ પ્રબુદ્ધ ગામ અંતર્ગત ચાલતા કાર્યક્રમોને વધુ અસરકારકતા સાથે સચોટ વેગ મળી રહે તે હેતુસર યોજાયેલી મુલાકાત:
નર્મદા: નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા પેયજલ પ્રબુદ્ધ ગામ અંતર્ગત તારીખ ૨૮ અને ૨૯ માર્ચ ૨૦૨૩ના રોજ ગરૂડેશ્વરના એકતા નગર ખાતે બે દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પિરામલ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના નર્મદા અને દાહોદ, રાજસ્થાન રાજ્યના સિરોહી અને બારાં જિલ્લામાં કામ કરતી ટીમો તેમજ વાસ્મોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
પિરામલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી તબરેઝ અખ્તર સિદ્દીકીએ બે દિવસીય કાર્યશાળાનાં મુખ્ય ઉદ્દેશ, પેયજલ પ્રબુદ્ધ ગામ કાર્યક્રમ અંતર્ગત અત્યારસુધી કરવામાં આવેલા કાર્યોની સમીક્ષા, આગામી સમયમાં થનારા કાર્યોની યોજના અને આ કાર્યક્રમને લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતની વિસ્તાર પૂર્વક ચર્ચા વિચાર કરી હતી.
પ્રોગ્રામ મેનેજર સુશ્રી નજમા કેશવાણી અને પ્રોગ્રામ લીડર્સ દ્વારા કાર્ય શાળાના બીજા દિવસે ભ્રમણદલને નાંદોદ તાલુકાના સુંદરપુરા અને ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા એમ બે ગામમાં મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચશ્રી અને ગામની પાણી સંરક્ષણ સમિતિ (વી.ડબલ્યુ.એસ.સી.) દ્વારા કરવામાં આવતા નવીનતમ કાર્ય અને પ્રયાસોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામની પાણી સંરક્ષણ સમિતિ દ્વારા ગામમાં પાણીની સગવડતા, પાણીની સુરક્ષા, પાણીની ગુણવત્તા અને પાણીનો બચાવ કેવી રીતે કરવામાં આવે છે એ અંતર્ગત સરપંચશ્રી, ગ્રામજનો અને વી.ડબલ્યુ, એસ.સી. સમિતિ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી આવેલા દાહોદ, નર્મદા, બારાં અને સિરોહી જિલ્લામાં પેયજલ પ્રબુદ્ધ ગામ અંતર્ગત ચાલતા કાર્યક્રમોને વધુ અસરકારક અને સચોટ વેગ મળી રહે તે હેતુસર આ મુલાકાત કરવામાં આવી હતી.
પેયજલ પ્રબુદ્ધ ગામ અંતર્ગત બે દિવસીય કાર્યશાળાને સફળ બનાવવામાં પિરામલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ડાયરેક્ટર, સી.ઓ.ઈ., સસ્ટેનીબિલિટી ટીમ, ગુજરાત અને રાજસ્થાનના પ્રોગ્રામ મેનેજર્સ અને પ્રોગ્રામ લીડર્સ તથા જિલ્લામાં અવિરત પણે કાર્ય કરતા વાસ્મો સોશિયલ મોબિલાઈઝર માલાબેન, ફાલ્ગુનીબેન અને ટેકનીશિયન કાનાભાઈનો સહયોગ રહ્યો હતો.
રિપોર્ટર:સર્જન વસાવા, નર્મદા