
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૧૬; ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૦ સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી દિનેશ પ્રસાદે જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો સાથે બેઠક યોજીને, ન્યાયી અને પારદર્શી ચૂંટણી કામગીરી માટે સૌને ચોક્સાઈ સાથે તેમની કામગીરી હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો.
ચૂંટણીલક્ષી કામગીરીમા ખુબ જ ચોક્સાઈ અને સમયબદ્ધતા અનિવાર્ય છે તેમ જણાવતા શ્રી પ્રસાદે શિસ્તબદ્ધ આયોજન અને પરસ્પર સંકલન સાથે દરેક અધિકારીઓ તેમની જવાબદારી અદા કરે તે ઇચ્છનીય છે તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા કરવામા આવેલી તૈયારીઓની જાતમાહિતી મેળવતા ઓબ્ઝર્વર શ્રી દિનેશ પ્રસાદે ટીમ ડાંગની તૈયારીઓ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સૌ અધિકારી/કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રદાન કરવાની હિમાયત કરી શુભકામનાઓ પણ પાઠવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન સાંપ્રત કોવિદ-૧૯ ની પરિસ્થિતિ ધ્યાને લેતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન “કોરોના” સામે રાખવાની સાવચેતી બાબતે ખુબ જ જાગૃતિ દાખવવાની આવશ્યકતા ઉપર ભાર મુક્ત ઓબ્ઝર્વરશ્રીએ મતદાન મથકો ઉપર મેડીકલ ટીમની ભૂમિકા અંગે પણ વિગતો મેળવી ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર શ્રી એન.કે.ડામોરે ચૂંટણી કામગીરીમાં રીપોર્ટીંગ નિયત સમય મર્યાદામા થાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓને તેમની કામગીરીની આગોતરી તૈયારીઓ કરી લેવાની અપીલ કરી હતી.
જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.વિ.પટેલે જિલ્લાના ચૂંટણી ચિત્રનો ખ્યાલ આપ્યો હતો. નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે પુરક વિગતો રજુ કરી હતી.
બેઠકમા ખર્ચના નોડલ-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા તથા કાયદો-વ્યવસ્થાના નોડલ-વ-જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહજી જાડેજાએ ચર્ચામાં ભાગ લીધો હતો. ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા જુદી જુદી સમિતિઓના નોડલ ઓફિસરોએ તેમની કામગીરીથી સૌને અવગત કરાવ્યા હતા.