
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ભદરપાડા અને ધાંગડી ગામે યોજાઇ ‘રાત્રી સભા’ :
ગ્રામજનોને કોરોના વેક્સિન બાબતે માર્ગદર્શન અપાયુ :
ડાંગ, આહવા : મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના અંતરિયાળ અને છેક છેવાડે આવેલ ગામો ભદરપાડા તથા ધાંગડી ગામે વેક્સિનેશન બાબતે ખાસ ‘રાત્રી સભા’ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કરવામા આવી હતી.
સો ટકા વેક્સિનેશન બાબતે પ્રતિબધ્ધ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓને જુદાજુદા ગામો દત્તક આપીને ત્યાં સો ટકા વેક્સિનેશન માટે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા એ આ અધિકારીઓને કામે લગાડ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા ને પણ ડાંગ જિલ્લાના સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના ભદરપાડા અને ધાંગડી જેવા ગામોની ફાળવણી કરવામા આવી છે.
મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા આ છેવાડાના ગામે તાજતેરમા સ્થાનિક અગ્રણી શ્રી કિશોરભાઈ પટેલના સહયોગથી ખાસ ‘રાત્રી સભા’ નુ આયોજન કરીને, ગ્રામજનોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભુસારાએ જણાવ્યુ હતુ કે, દિવસ દરમિયાન ખેતી, પશુપાલન, ઘરકામ તથા રોજગારી અર્થે બહાર જતા ગ્રામજનો એક સાથે એકત્ર થઇ શકતા નથી. જેથી તેઓના પોતાના નિરાંતના સમયે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ આ ગામે ઉપસ્થિત રહીને, તેમને સાચી જાણકારી પૂરી પાડી શકે તવુ સુચારુ આયોજન હાથ ધરાયુ હતુ.
વિશેષ કરીને ‘સતીપતિ સંપ્રદાય’ સાથે જોડાયેલા ગ્રામજનોને રસી બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, અને અંધશ્રદ્ધાઓમાંથી બહાર લાવીને, સ્વયંને તથા તેમના પરિવાજનોને સુરક્ષિત કરવાની સમજ આપવામા આવી હતી, તેમ પણ શ્રી ભુસારાએ વધુમા જણાવ્યુ હતુ.