
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
લોકસભા સાંસદ મનસુખ વસાવા એ ભાજપમાંથી આપેલા રાજીનામાં બાદ ભાજપ ચિંતામાં મૂકાઇ ગયું હતું. ત્યારે મહત્વનું છે કે, બુધવારે સવારે ગાંધીનગર આવીને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાથે મનસુખ વસાવાએ બેઠક કરી હતી.
સાંસદ મનસુખ વસાવા આજે CM રૂપાણીને મળ્યા હતાં અને તેમની સાથે ચર્ચા વિચારણા કરતા તેઓ આખરે માની ગયા હતાં અને તેઓને પોતાનું રાજીનામું પરત ખેચ્યું હતું. જેથી એવું કહી શકાય કે મનસુખનું મનદુ:ખ દૂર થતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું હતું. તેઓએ રાજીનામું પરત ખેંચતા ભાજપને હાશકારો અનુભવાયો છે.
CM રૂપાણી સાથે ભરૂચ લોકસભાના સાસંદ મનસુખ વસાવાની બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મહત્વનું છે કે, તેમને ગઈ કાલે આપેલું રાજીનામું આજે પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું કે, ‘સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ નથી. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું.’
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘છેલ્લાં ઘણાં સમયથી મારી તબિયત નાદુરસ્ત હતી. આ કારણે હું સંસદમાં પણ હાજરી આપી શકતો ન હોતો. એ માટે જ મે ગઈ કાલે રાજીનામું ધરી દીધું હતું. મે રાજીનામાના પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. મારે કોઈની સાથે કે પક્ષ સમક્ષ કોઈ જ નારાજગી નથી. પરંતુ મારી શારીરિક તકલીફને કારણે મારા મિત્રો અને સ્નેહીજનોએ મને આરામ કરવાની સલાહ આપી હતી. મે કોઈ રાજકીય સોદાબાજી પણ નથી કરી. પક્ષ પર દબાણ લાવવાનો પણ મે કોઈ જ પ્રયાસ કર્યો નથી.’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘હાલ મને ડૉક્ટરે ચારથી પાંચ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. CM સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું હતું કે જો હું સાંસદ તરીકે ચાલુ રહીશ તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે. એક વખત સાંસદ તરીકેથી રાજીનામું આપ્યાં બાદ આવી સારવાર શક્ય નહીં બને. પાર્ટીએ મને દિલ્હીમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી છે. જેથી હું સાંસદ તરીકે ચાલુ રહીશ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ વસાવાએ ગઈ કાલે રાજીનામું આપ્યાં બાદ મોડી રાત સુધી તેમના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ થયો હતો. ત્યાર બાદ આજે વહેલી સવારે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર ખાતે CMને મળવા રવાના થયા હતાં. જ્યાં તેઓએ CM સાથે બેઠક યોજ્યા બાદ તમામ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો.