
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
નેત્રંગ તાલુકાના આટખોલ ગામનાં દીકરા-દીકરીઓના લગ્ન લેવા છે, પણ ગામમાં પાણી નથી તો બહાર ગામથી આવતી જાનને શું પીવડાવવું? માતાઓની અનોખી વેદના:
નેત્રંગ તાલુકાના આટખોલ ગામના હનુમાન, ખોકરાપાટ અને પટેલ ફળિયાની કુલ વસ્તી 960 લોકોની છે. જેમાં છેલ્લા 20 વર્ષથી મહિલાઓ અને પશુધનને પીવાના પાણીના પણ ફાંફાં પડે છે, જેને લઈને મહિલાઓને રઝળપાટ કરવો પડે છે, ગામમાં પાણીના તળ ઘણું નીચા ગયા હોવાથી 500-600 ફૂટના બોરવેલ પણ કોરાકાટ રહે છે. પાણી રિચાર્જ માટે ગામમાં અન્ય કોઈ તળાવની પણ સુવિધા નથી, ગામમાં જે બોરવેલમાં પાણી આવે છે તે ચોમાસુ અને અડધો શિયાળો ચાલે. પછી ઉનાળામાં બધાં જ બોર સુકાય જાય છે, ત્યારે આ ગામની મહિલાઓની યાતનાઓ શરૂ થાય છે.
ગામમાં 13 બોર મોટર કરેલા છે તેમાંથી માત્ર એક જ બોરમાં બે કલાકે ધીમું-ધીમું પાણી આવે છે. જ્યારે 12 હેન્ડપમ્પમાંથી માત્ર 2 જ ચાલુ છે. હનુમાન અને ખોકરાપાટ બે ફળિયાના 600 લોકો વચ્ચે માત્ર એક જ સિંગલ ફેઈઝ મોટરને 16 કલાક બંધ રાખે તો થોડું પાણી મળે છે.જેથી મહિલાઓ બેડા, ડોલ અને અન્ય વાસણો કતારમાં મૂકી વારો આવવાની રાહ જૂએ છે, પાણીની ટાંકી છે પરંતુ તેમાં 15 વર્ષ વીતી જવાં છતાં આજ દિન સુધી પાણી ભરાયું નથી.