
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના સળગતા પ્રશ્ન પાર તાપી નર્મદા લિંક મુદ્દે ભાજપના નેતાઓએ પહેલીવાર આપ્યું નિવેદન,
કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પાસે કોઈ મુદ્દો ન હોવાથી નદી લિંકની કાલ્પનિક ભય બતાવી આદિવાસીઓને ગુમરાહ કરાતા હોવાનો સનસનીખેજ આક્ષેપ:
એક તરફ પરીયોજના દ્વારા પ્રભાવિત વિસ્થાપિત થતાં ગામોમાં સરકાર દ્વારા નોટિસ મોકલાવી રહયા છે, તે વચ્ચે ગુજરાત સરકારનાં મંત્રીશ્રી અને જીલ્લા પ્રમુખનુ નિવેદન કેટલું વ્યાજબી..?
ડાંગ જિલ્લા ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી જીતુભાઈ પટેલ, ધારસભ્ય વિજય પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે વિસ્થાપિત ના પ્રશ્ન ને લઈને સ્થાનિક લોકો સાથે હોવાનું જણાવી કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પાસે કોઈ મુદ્દો ન હોવાથી નદી લિંક ની કાલ્પનિક ભય બતાવી આદિવાસીઓને ગુમરાહ કરાતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.
મંત્રી જીતુભાઇ પટેલે કહ્યું કે કોઇએ વિસ્થાપિત થવાની ચિંતા કરવાની નથી, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી તરીકે આ યોજનાનો અભ્યાસ કરી સરકારનું ધ્યાન દોરીશું, દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે વિકાસની યોજનાઓ અમલમાં મૂકી છે. સમગ્ર દેશમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરી આદિવાસીઓને પગભર કરવા વિવિધ ખેતીલક્ષી યોજનાઓ વિનામૂલ્ય આપવામાં આવતા વિપક્ષી પાર્ટીઓ આદિવાસીઓનો વિકાસ જોઈ શકતા નથી. જેથી પાર તાપી નર્મદા લિંક યોજના કે જે હજી સુધી કોઈ ગાઈડ લાઇન અમલમાં આવી નથી,તેને મુદ્દો બનાવી ભલાભોળા આદિવાસીઓને કાલ્પનિક ભય ઉભો કરી વિકાસ થી વંચિત રાખવાનો મનસૂબો ઘડાઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ અને માજી ધારાસભ્ય મંગળ ગાવીતે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજના છે પણ જ્યારે વિસ્થાપિત નો પ્રશ્ન આવશે કે ડૂબાણ નો પ્રશ્ન આવશે ત્યારે ડાંગ ની પ્રજાની પડખે રહી તેનો સખત વિરોધ કરી પ્રજાની સાથે રહી વિસ્થાપિત કે હિજરતનો પ્રથમ વિરોધ અમે કરીશુ.
કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી એક થઈને વિરોધ કરતા હોય ત્યારે ભાજપ ના નેતાઓએ પણ સ્થાનિક પ્રજા સાથે હોવાનું પહેલી નિવેદન આપી તાપી પાર, નર્મદા લિંક પરિયોજનામાં કોઈપણ પ્રકારનું ભય ન રાખવા અનુરોધ કર્યો હતો.