
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ઉકાઈ જળાશયના કાર્યપાલક ઈજનેર શ્રી જે.એમ.પટેલ ૩૪ વર્ષની સેવા બાદ થયા વય નિવૃત્ત, યોજાયો વિદાય માન કાર્યક્રમ:
વ્યારા-તાપી: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઉકાઈ જળાશય યોજનાના કાર્યપાલક ઈજનેર શ્રી જે.એમ.પટેલ ૩૪ વર્ષની સુદીર્ઘ સરકારી સેવા બાદ તા.૩૧મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ વય નિવૃત્ત થયા છે.
મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રતાપનગરના વતની, અને વતનમા ‘માસ્તર ના ઘર’ તરીકે ઓળખાતા ભર્યાભાદર્યા શિક્ષિત પરિવારના આ અધિકારીએ તેમની કારકિર્દીની શરૂઆત સને ૧૯૮૮મા મિલેટ્રી એન્જિનિયરીંગ સર્વિસિસ-અમદાવાદ થી કરી હતી. ત્યાર બાદ તેમણે જી.આઇ.ડી.સી. અમદાવાદ અને વડોદરા, નર્મદા નિગમ હેઠળ હળવદ, ભરૂચ, અને સાધલી (શિનોર), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગ હેઠળ લઘુ સિંચાઇ યોજના, ડાંગ અને વલસાડ જિલ્લા પંચાયત, ડ્રેનેજ-પાળા અને નહેર વિભાગ-સુરત, કડાણા ડેમ, અને છેલ્લે ઉકાઇ ડેમ ખાતે પ્રસંશનિય સેવા બજાવી છે.
૩૪ વર્ષોની લાંબી કારકિર્દી દરમિયાન શ્રી જે.એમ.પટેલને નર્મદા યોજનાના 6-G1 બ્લોકનુ નેટવર્ક પ્લાનિંગ, તથા 6-E બ્લોકની ડીસ્ટ્રીબ્યુટરી/માઇનોરના કામ, તથા કેનાલ સાઇફન, ડ્રેનેજ સાઇફન, VRB, આઉટલેટ જેવા સ્ટ્રકચરોનુ બાંધકામ કરવા સાથે ચેકડેમો અને ચેકડેમ કમ કોઝ વેનુ બાંધકામ, તળાવો/બોરીબંધ અને નાની ઉદવહન સિંચાઇ યોજનાઓ ઉપરાંત નહેરોની કામગીરી, ડ્રેનેજના નાળા બનાવવા સાથે ડ્રેઇનોની સાફસફાઇ, દરિયાઇ ધોવાણ અટકાવવાના કામો, હાઇ લેવલ કેનાલના કામો, સુજલામ સુફલામ નહેરના કામો, કડાણા ડાબા કાંઠા નહેર તથા જમણા કાઠા નહેરના કામો, સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવા, ચેકડેમ રીંપેરીંગ, ડીસલ્ટીંગ તથા નહેરની સફાઇ, કડાણા ડેમ તથા ઉકાઇ ડેમના ફ્લડ મેનેજમેન્ટ તથા મેઇન્ટનેન્સની કામગીરી, ડેમ રીહેબીલેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ (DRIP)ની કામગીરી, બીગ L-I Scheme, કડાણા-દાહોદ પાઇપ લાઇન, અને સોનગઢ-ઉચ્ચલ-નિઝર પાઇપલાઇન જેવા પ્રોજેકટ સહિત સિંચાઇની વિવિધ પ્રકારની કામગીરીમા તેમનુ યોગદાન આપ્યુ છે.
પોતાના ગામમા જ પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાના અભ્યાસ બાદ, સુરતની S.V.R. ENGINEERING COLLAGE, SURAT (હાલ SVNIT )મા ઉચ્ચ અભ્યાસ કરી સને ૧૯૮૬મા B.E. CIVIL ની ડીગ્રી પ્રાપ્ત કરનાર શ્રી જે.એમ.પટેલના નિવૃત્તિ વિદાય સમારંભમા, અધિક્ષક ઇજનેર શ્રી મહાકાળ, કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી પી.જી.વસાવા, કે.આર. પટેલ અને એ.આર.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેરો, સાથી અધિકારી/કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી આરોગ્ય મય સુખી અને સમૃદ્ધિ મય જીવનના આશીર્વચન પાઠવ્યા હતા.
નિવૃત થતા કાર્યપાલક ઈજનેર શ્રી જે.એમ.પટેલે સૌના સાથ, અને સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.