
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
“ગરીબોની બેલી સરકાર” તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન :
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાના હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.
વ્યારા-તાપી: આજે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા/નગરપાલિકા અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત તાપી જિલ્લાના તમામ તાલુકા ખાતે એક કાર્યક્રમ તથા નગરપાલિકા કક્ષાએ એક એમ કુલ ૦૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યારા તાલુકામાં જ્ઞાનદિપ હાઈસ્કુલ, ઉંચામાળા ખાતે, વ્યારા નગરપાલિકા- ડો.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, સોનગઢ તાલુકામાં પ્રાથમિક શાળા, ટોકરવા, સોનગઢ નગરપાલિકા- રંગ ઉપવન હોલ ખાતે, વાલોડ તાલુકો- કોમ્યુનીટી હોલ, બાજીપુરા ખાતે, ડોલવણ તાલુકા- સેવા સદન, ઉચ્છલ- તાલુકા સેવા સદન, નિઝર – એ.પી.એમ.સી. નિઝર, અને કુકરમુંડા તાલુકાનો કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય, કુકરમુંડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ પ્રતિ કાર્યક્રમ દીઠ ૩૦ લાભાર્થીઓને કીટ (સ્ટવ, હોજ પાઈપ, ગેસ સીલીન્ડર(કટ આઉટ), રેગ્યુલેટર અને સિકયોરીટી ગાઈડલાઈન) ઉપરાંત SV (સન્ક્રીપ્શન વાઉચર)ની નકલ તેમજ ૭૦ લાભાર્થીઓને SV (સન્ક્રીપ્શન વાઉચર)ની નકલ એમ મળીને કુલ ૧૦૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તેમજ નગરપાલીકા સ્તરે આયોજિત થનાર કાર્યક્રમમાં “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૨.૦” હેઠળ પ્રતિ કાર્યક્રમ દીઠ ૩૦ લાભાર્થીઓને કીટ (સ્ટવ, હોજ પાઈપ, ગેસ સીલીન્ડર(કટ આઉટ), રેગ્યુલેટર અને સિક્યોરીટી ગાઈડલાઈન) ઉપરાંત SV (સન્ક્રીપ્શન વાઉચર)ની નકલ તેમજ ૨૭૦ લાભાર્થીઓને SV (સન્ક્રીપ્શન વાઉચર)ની નકલ એમ મળીને કુલ ૩૦૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (ગ્રામ-વિકાસ પ્રભાગ) દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સામુદાયિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, શૌચાલયનું સમારકામ તેમજ નવા શૌચાલય બાંધકામ માટે કુલ ૧૦૫ લાભાર્થીઓને લાભ આપવામા આવશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ ૦ થી ૧૮ વર્ષ સુધીની વય જુથના જે બાળકોના માતા-પિતા બંનેનું કોરોનાકાળ દરમ્યાન અવસાન થયું હોય તેવા બાળકોને અને જે બાળકના એક વાલી એટલે કે માતા અથવા પિતા બે માંથી એકનું કોરોનાકાળ પહેલા અવસાન થયુ હોય અને બીજા વાલી માતા અથવા પિતા કોરોનાકાળ દરમ્યાન અવસાન પામેલ હોય તો તેવા કેસમાં અનાથ બાળકોને પણ માસિક રૂ.૪,૦૦૦/- નો લાભ આપવાનો રહેશે. તથા જે બાળકોના માતા-પિતા બે માંથી કોઈ પણ એકનું કોરોનાકાળ દરમ્યાન અવસાન થયેલ હોય તેવા બાળકોને માસિક રૂ.૨,૦૦૦/- તે બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે. આજ રોજ આયોજિત કાર્યક્રમમાં કુલ ૪૫ બાળકોને મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ લાભ આપવામાં આવશે. તેમજ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા સો ટકા કોવિડ વેક્સીનેશન થયેલ હોય તેવી ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદ ખાતેથી સંબોધન કરશે જેનું જીવંત પ્રસારણ બાયસેગ માધ્યમથી નિહાળી શકાશે છે.