
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડાડતું દેડીયાપાડાનું તંત્ર રોગચાળાની ભીતિ.!!
ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ રોડ પર ગંદકી નું સામ્રાજ્ય;
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદનાં શપથ લેતાની સાથે જ સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્માની 150 જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં રાજકીય, સામાજિક તેમજ વીઆઇપી હસ્તીઓ આ અભિયાનમાં જોડાઈ હતી. અને ઠેર-ઠેર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. જેના પગલે વહીવટી તંત્ર અને નગર પાલિકાઓ સહિત વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના કારણે શહેર સ્વચ્છ બનતાં લોકોએ સ્વચ્છતા અભિયાનને સરાહનીય લેખાવ્યુ હતું.
પરંતુ સમયની સાથે સાથે અહીં સ્થાનિક તંત્ર સફાઈ અભિયાનની કામગીરી ભુલ્યા હોય તેમ હાલમાં દેડીયાપાડાના સરકારી વિનિમય કોલેજ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
દેડીયાપાડા ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાને લઇ એક સરકારી લાઈબ્રેરી બનાવવા માટે 3.50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. જેના માટે ડેડીયાપાડા થી પાનસર જતા રોડ પર સરકારી વિનિયન કોલેજ પાસે જગ્યા ફાળવી મોર્ડન કક્ષાની લાઈબ્રેરી બનાવવામાં આવશે. જે જગ્યાએ લાઈબ્રેરી બનવાની છે તે જગ્યા પર કેટલાક ઈસમો દ્વારા મૃત પશુઓના શરીર, કાપેલા પશુઓના હાડકા તેમજ અન્ય કચરો ત્યાં ફેંકાતાં ગંદકી નું સામ્રાજ્ય વ્યાપી ગયું છે અને ત્યાંથી પસાર થતા લોકો તેમજ સરકારી વિનિયન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું માથું ફાટી જાય એવું દુર્ગંધ આવે છે. ડેડીયાપાડા થી પાનસર રોડ પર કોલેજ જવાના બે કિલોમીટર ના રસ્તાની બાજુમાં કચરો ફેંકાતાં ખુબજ ગંદકી જોવા મળી રહી છે. પશુઓના હાડકાં, પીંછા, પશુઓનો મળ વગેરે અહીંજ ઠલવાતા રસ્તા પરથી પસાર થનાર રાહદારીઓને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડે છે જેના કારણે વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સર્જાય છે. કોલેજ જતા વિદ્યાર્થીઓ આ રસ્તે પગપાળા જતા હોવાથી અહીં કચરો ફેંકવામાં ન આવે તેવી માંગ ઉઠી છે. કોલેજ સતાધીશો અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. આ એ જ જગ્યા છે જ્યાં તાલુકા કક્ષાની લાઈબ્રેરી બનાવવામાં આવનાર છે. ત્યારે શું આવા ગંદકી વાળા ખરાબ વાતાવરણમાં લાઈબ્રેરીમાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરશે? શું આ સમસ્યાનું કાયમી નિરાકારણ કરવામાં આવશે ખરુ તે જોવું રહ્યું.?