રાષ્ટ્રીય

સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬,૪૪૮ દિકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ અપાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સુરત: ફતેહ બેલીમ 

તા.૧૧મી ઓક્ટોબર: વિશ્વ બાલિકા દિવસ:

સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની સરાહનીય કામગીરી: સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬,૪૪૮ દિકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ અપાયો: 

એક વર્ષમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કુલ ૪૧૮ કિશોરીઓ-મહિલાઓને આશ્રય, કાયદાકીય મદદ, તબીબી અને પોલીસ સેવા તેમજ કાઉન્સેલિંગ કરાયુ.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન બન્યું વેગવંતુ:સુરત જિલ્લામાં દર ૧૦૦૦ દિકરા સામે ૯૦૭ દિકરીઓનો રેશિયો છે.

આ વર્ષે વિશ્વ બાલિકા દિવસની થીમ- ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’

વિશ્વ બાલિકા દિવસ અંતર્ગત સુરતમાં જિલ્લા કક્ષાએ ‘‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’’ થીમ પર ‘કિશોરી મેળો યોજાશે: 

કિશોરી મેળામાં વિવિધ વિભાગોના સંકલનથી ૯ સ્ટોલ ઉભા કરી કિશોરીઓને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરાશે:

દર વર્ષે તા.૧૧ ઓક્ટોબરના દિવસે ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભાએ કિશોરીઓના અધિકારોને માન્યતા આપવા અને તેમની સામેના આગવા પડકારો અંગે જાગૃતિ કેળવવા, વર્ષ ૨૦૧૧માં આજના દિવસે દર વર્ષે ૧૧મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ઠરાવને બહાલી આપી હતી. આ દિવસ કન્યાઓના શિક્ષણના અધિકારો, સલામતી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. 

               આ વર્ષે રાજ્યમાં ‘બેટી બચાવો,બેટી પઢાવો’ અને પુર્ણા યોજના હેઠળ ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ની થીમ પર ઉજવણી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દિકરીઓના ઉત્થાન, સ્વરક્ષણ, શિક્ષણ અને સ્વાસ્થ માટે વિવિધ યોજનાઓ અમલી છે. રાજયમાં દીકરીઓના જન્મ દરમાં વધારો થાય તેમજ દીકરીના માતા -પિતા સામાજિક અને આર્થિક સ્થિતિ ને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા માટે રાજય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના કાર્યરત છે. જે અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે રૂા.૪૦૦૦, ધો.નવમાં પ્રવેશ કરે ત્યારે રૂા.૬૦૦૦ તેમજ દીકરી ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ કક્ષા શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રાજય સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬,૪૪૮ લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના લાભ આપવામાં આવ્યો છે, તેમજ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કુલ ૪૧૮ કિશોરીઓ, મહિલા-યુવતિઓને આશ્રય, કાયદાકીય મદદ, તબીબી અને પોલીસ સેવા તેમજ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન વેગવંતુ બન્યું છે, ત્યારે હાલમાં સુરત જિલ્લામાં ૧૦૦૦ દિકરા સામે ૯૦૭ દીકરીઓ છે.

               વિશ્વ બાલિકા દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ સમજાવતાં સુરત જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી ધર્મેશ.પી.વસાવાએ જણાવ્યું હતું કે, વિશ્વ બાલિકા દિવસની ઉજવણી બાલિકા-કિશોરીઓના સ્વરક્ષણ, અધિકારો અને તેમની સામે આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનો તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૬ ના રોજ, યુનાઈટેડ નેશન્સ વિમેન્સ ગુડવિલ એમ્બેસેડર એમ્મા વોટસને વિશ્વભરના દેશો અને પરિવારોને બળજબરીથી બાળ લગ્ન સમાપ્ત કરવા વિનંતી કરી હતી. છોકરીઓને કોઈ સમસ્યાઓ અને તેને હલ કરવા અંગે જાગૃત્ત અને સશક્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિશોરીઓને શિક્ષિત કરવાથી બાળ લગ્ન દરને ઘટાડવામાં મદદ મળે છે અને તેમને સુશિક્ષિત કરવાથી સમાજમાં, આર્થિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવામાં મદદ મળે છે.

             વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, સુરત જિલ્લા કક્ષાએ તા.૧૦ થી ૧૩ ઓક્ટોબર સુધી વિવિધ વિસ્તારોમાં સખી-સહસખી સાથે ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ વિભાગોના સંકલન થકી ૯ સ્ટોલ ઉભા કરી દિકરી જન્મને પ્રોત્સાહન, શિક્ષણ, પોષણ, બાળલગ્ન નિવારણ, સલામતી અને સુરક્ષાની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાશે.

કિશોરી મેળોમાં વિવિધ વિભાગોની મદદથી કિશોરીઓને માહિતગાર કરાશેઃ

           મહિલા અને બાળ વિભાગ કિશોરીમાં પુર્ણા યોજના અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ , વ્હાલી દીકરી યોજના, કિશોરીઓ સ્વ-રક્ષણ અંગે જાગૃત્ત અને અને સ્વાલંબી બને તે માટેના સ્ટોલ ઉભા કરી ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન આપશે. સરકારી બેંકો અને પોસ્ટ ઓફિસ કિશોરીઓને બેન્ક અને પોસ્ટ વિભાગની ઉપયોગી યોજનાઓ વિશે, શ્રમ અને રોજગાર વિભાગ કિશોરીઓ આર્થિક રીતે પગભર થઈ પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ બાળ સંરક્ષણ સોસાયટીની કામગીરી વિશે, શિક્ષણ વિભાગ કિશોરીઓ અને તેમના વાલીઓમાં શિક્ષણના મહત્વ વિશે જાગૃતતા કેળવવા માટેનો સ્ટોલ ઉભા કરી માહિતી પૂરી પાડશે.

વિશ્વ બાલિકા દિવસની તવારીખ: 

             વિશ્વ બાલિકા દિવસની ઉજવણી માટેની પહેલ એક બિન-સરકારી સંસ્થા ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવી હતી. આ સંગઠને “કારણ કે હું એક છોકરી છું” નામનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા કેનેડાની સરકારના સહયોગ મેળવ્યો હતો. ત્યારબાદ કેનેડા સરકારે ૫૫મી મહાસભામાં ઠરાવ રજૂ કર્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રએ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ઠરાવ સર્વ સહમતિથી પસાર કર્યો હતો. ૧૧ ઓક્ટોબરને ઉજવણી કરવા માટેનો દિવસ પસંદ કરી પ્રથમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તા.૧૧ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવ્યો હતો.

            દર વર્ષે ૧૧ ઓક્ટોબરના રોજ ‘આંતરરાષ્ટ્રીય બાલિકા’ દિવસ એક વિશેષ થીમ પર ઉજવવામાં આવે છે. રાજ્યમાં આ વર્ષે બેટી બચાવો,બેટી પઢાવો અને પુર્ણા યોજના હેઠળ વિશ્વ બાલિકા દિવસ ૨૦૨૩ની થીમ છે ‘સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત’.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है