પર્યાવરણવિશેષ મુલાકાત

વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૭૨ મો ‛વન મહોત્સવ’ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લા મથક વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૭૨ મો ‛વન મહોત્સવ’ યોજાયો  હતો; 
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં આજરોજ જિલ્લા કક્ષાનો ૭૨મો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, ઉદઘાટક ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામવન તેમજ પટ્ટી વાવેતરમાંથી હાર્વેસ્ટીંગમાંથી થયેલી ઉપજ રૂા.૨૬.૧૨ લાખના ચેકોનું વિતરણ કરાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ સૌ તાપીજનોને ૭૨માં વન મહોત્સવની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, તંદુરસ્ત તનમાં તંદુરસ્ત મન નિવાસ કરે છે. આપણાં જીવનમાં વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. આઝાદી પહેલા ૩૬ કરોડ માનવવસ્તી હતી આજે ૧૦૦ કરોડથી વધુ વસ્તી હોવાથી તેમની માંગણીઓ પુરી કરવા વધુ ઉદ્યોગો સ્થાપવા પડે. જેનાથી હવા, પાણી વિગેરેમાં પ્રદુષણ વધે છે. જેથી સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. તે પૈકીનો ૭૨મો વન મહોત્સવ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઉજવી રહ્યા છીએ. આદિવાસી વિસ્તારમાં વનનું અનેરૂ મહત્વ છે. આદિવાસી સમાજ પ્રકૃતિને પૂંજનારો સમાજ છે. વૃક્ષ ધરતીનું સંગીત છે. અને આકાશમાં વ્યાપેલી કવિતા છે. આપણે સૌએ યોગ્ય માવજત કરી વૃક્ષોનું જતન કરવાનું છે.

સમારંભના ઉદઘાટક ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતુ કે, દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તે માટે તત્કાલીન કેન્દ્રિય પ્રધાન સ્વ.કનૈયાલાલ મુનશીજીએ સને ૧૯૫૦ માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરની ઉજવણીના લોકોત્સવ એવા ‘વન મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો. વર્ષ ૨૦૦૪ માં દેશમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા. વર્ષ ૨૦૨૧ માં ૩૧.૭૫ કરોડ થયા છે એટલે કે ૫૮.૩૬ ટકાનો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં ૧૦ હજાર હેકટર વધારો થયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લાઓમાં ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ માટે વન મહોત્સવની પહેલ કરી હતી.
મુખ્ય વન સંરક્ષક, આયોજન વર્તુળ, સુરતના જી.રમણમૂર્તિએ કોરોનાકાળમાં ઓક્સિજન વિના મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણા પ્રિયજનોને સૌપ્રથમ શ્રધ્ધાંજલી આપું છું. માત્ર વૃક્ષો જ ઓક્સિજન આપે છે તેની કોઈ ફેકટરી હોતી નથી. માટે દરેક કુટુંબોએ વૃક્ષ વાવવા જોઈએ. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર ગુજરાતમાં ઉત્તરોત્તર વનોમાં વધારો થઈ રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક જન, પ્રત્યેક સમાજ વૃક્ષ વાવી સરકારના અભિગમને સાર્થક બનાવે. જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ માનવ જીવન સાથે સંકળાયેલું છે. ધાર્મિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ઔષધિ કે શૃંગાર પ્રસાધન હોય તમામ બાબતોમાં વૃક્ષોનું મહત્વ છે. પ્રકૃતિ અને સમાજ સાથે જોડાયેલા વૃક્ષમાંથી આર્થિક ઉપાર્જન મેળવી શકાય છે. ડી.ડી.ઓ.કાપડિયાએ વધુમાં કહયું હતું કે તમામ પ્રા.શા., ગૌચર, સરકારી જમીનો, સંસ્થાઓમાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીઓને પ્લાનિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. સામાજીક વનીકરણના સહયોગથી મનરેગા યોજના હેઠળ તાપી જિલ્લામાં ૨.૫ લાખ વૃક્ષોના લક્ષ્યાંક પૈકી ૧.૫ લાખ વૃક્ષોનું વાવેતર થઇ ગયું છે.

મદદનીશ વન સંરક્ષક સચીન ગુપ્તાએ સ્વાગત કરતા સૌને સાથે મળી ધરતીને હરિયાળી બનાવવા આહવાન કરતા કહયું હતું કે, ૩,૦૩૬ હેકટરમાં ૧૯ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ૩૫ જેટલી નર્સરીઓમાં ૧૫ લાખ જેટલા ઔષધિય, ફળાઉ, ઈમારતી જેવા રોપાઓ તૈયાર કરાયા છે. નાગરિકોને વિનામૂલ્યે તેમજ સંસ્થાઓને રાહતદરે રોપાઓ આપવામાં આવે છે.

૭૨માં વન મહોત્સવ પ્રસંગે ગ્રામવન તેમજ પટ્ટી વાવેતરમાંથી મળેલી ઉપજ તાલુકા પંચાયત, વાલોડ રૂા.૨૧,૨૫,૮૫૮,તાલુકા પંચાયત કુકરમુંડા રૂા.૬૦,૬૪૪, તાલુકા પંચાયત વ્યારા રૂા૪૦,૭૯૨, તાલુકા પંચાયત નિઝર રૂા.૪,૦૦૭, સરપંચ ભોજપુર તા.વ્યારા રૂા.૧,૯૦,૧૩૧,સરપંચ ઘાટા રૂ.૧,૦૪,૮૨૨, સરપંચ ગ્રામ પંચાયત વેલ્દા તા.નિઝરને રૂા.૮૬,૨૫૦ ના ચેકો મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા.

દિપ્તીબેન કલાવૃંદ દ્વારા પ્રાર્થના અને કે.કે.કદમ વિદ્યાલયની બાલિકાઓએ સ્વાગત નુત્ય રજુ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું. અંતમાં આભારદર્શન રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.આઈ.કોસાડાએ કર્યું હતું.

આ પ્રસંગે  નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, મામલતદાર બી.બી.ભાવસાર, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ગ્રામ સેવા ટ્રસ્ટ પ્રમુખ ગણપતભાઈ ગામીત, બાંધકામ સમિતિ અધ્યક્ષ નિતિનભાઈ ગામીત સહિત વન વિભાગ અને સામાજીક વનીકરણ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है