
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” ની ઉજવણી કરાઇ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ભારત સરકારના યુવા કાર્યક્રમ એવમ ખેલ મંત્રાલય અને નેહરુ યુવા કેન્દ્ર, ડાંગ દ્વારા આજરોજ આહવા તાલુકાના ડોન ગામમાં “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકતા શ્રી જયેશભાઈ એસ ગાયકવાડે “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” અંગેની માહિતી આપી હતી. વિશ્વમાં વસતા પ્રત્યેક નાગરિકને સમાન ન્યાય મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ ૨૦૦૭ માં સમાનતાના કેન્દ્રવર્તી વિચાર સાથે ૨૦ મી ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૦ ફેબ્રુઆરીએ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. સામાજિક અખંડિતતાને ટેકો આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
સામાજિક ન્યાય દિવસ પર જાતિવાદ અને ઊંચ-નીચના બંધનો દૂર કરીને આ દિવસને સાચા અર્થમાં સાર્થક બનાવવા, તેમજ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે વિકાસ પથ પર આગળ વધવા કાર્યક્રમના અધ્યક્ષે લોકોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ગામના યુવાનો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.