શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સરકારી વિનયન કોલેજ સાગબારા ખાતે ૩૬ માં નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ-ડેની ઉજવણી કરાઇ;
૧૧ માં ખેલ મહાકુંભમાં વિજેતા શાળાઓને ઈનામ વિતરણનું કરાયેલું આયોજન;
૩૬ માં નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે રૂચિ કેળવાય અને વિવિધ રમતોમાં તેઓ વધુમાં વધુ ભાગ લે તેવા હેતુસર તાલુકા કક્ષાના સ્પોર્ટસ-ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકારી વિનયન કોલેજ સાગબારા ખાતે આજરોજ સ્પોર્ટ્સ ડે યોજાયો હતો. સાગબારા તાલુકા મામલતદારશ્રી આર.એમ. મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે મામલતદારશ્રી આર.એમ.મકવાણાએ વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસમાં રમતના યોગદાન વિશે વિવિધ ઉદાહરણો સાથે સવિશેષ માહિતી પુરી પાડી હતી. જ્યારે કોલેજના આચાર્ય શ્રી ડૉ ચેતનભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને ૩૬ માં નેશનલ ગેમ્સ વિશે વિસ્તૃતમાં વાત કરતા પ્રાચીનકાળથી વર્તમાન સમય સુધી રમત-ગમત ક્ષેત્રે આવેલા પરિવર્તનો વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ કોલેજના પીટીઆઇ શ્રી હર્ષદા પટેલે વિવિધ રમતો વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.
સ્પોર્ટ્સ-ડેની ઉજવણી પ્રસંગે ૧૧ માં ખેલ મહાકુંભમાં સાગબારા તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલી શાળાઓને મામલતદારશ્રી આર.એમ.મકવાણાના હસ્તે ગુજરાત સરકારશ્રીની ઇનામી રાશિના ચેક એનાયત કરાયા હતા. કાર્યક્રમના અંતે નેશનલ એન્થમનો વીડીયો દર્શાવી વિદ્યાર્થીઓને ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુશ્રી ડો.અર્ચનાબેન ગામીત અને પ્રાધ્યાપક શ્રી હર્ષદા પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પીટીઆઈ શ્રી હર્ષદા પટેલ દ્વારા કોલેજના આચાર્યશ્રી ડો. સી.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.