શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વિવિધલક્ષી વિદ્યાલય દક્ષિણાપથ વ્યારા ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષા ખેલમહાકુંભ-૨૦૨૧-૨૨ યોજાયો:
ગ્રામ્ય પ્રતિભાઓ અને ખેલ કૌશલ્યને બહાર લાવવાનો સરકારશ્રીનો ભગિરથ પ્રયાસઃ – કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા
વ્યારા-તાપી: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , સ્પોર્ટ્સ ઓથીરિટી ઓફ ગુજરાત ગાંધીનગર , અને જિલ્લા વહીવટી તંત્ર તાપી તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી અને અપંગોની આઈ.ટી.આઈ સોનગઢના સહયોગ થી જિલ્લા કક્ષા દિવ્યાંગ ( માનસિક ક્ષતિગ્રસ્ત) ખેલ મહાકુંભ સ્પર્ધા-૨૦૨૧-૨૨ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાઈ હતી.
જિલ્લા સમાહર્તા શ્રી એચ.કે.વઢવાણિયાએ તમામ દિવ્યાંગ ખેલાડીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ગ્રામીણ ખેલાડીઓમાં કૌશલ્ય ભરપૂર હોય છે. સરકારશ્રીનો ઉદે્શ્ય છે કે અંતરિયાળ વિસ્તારમાં રહેલી ખેલ પ્રતિભાઓ ખેલ મહાકુંભના માધ્યમથી બહાર આવે છે. જેથી તમામ વાલીઓ,શિક્ષકોએ ખેલાડીઓની શક્તિને બહાર લાવવાના પ્રયાસ કરવા જોઈએ. જેથી આપણાં ખેલાડીઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરે અને આ ખેલાડીઓ તાપી જિલ્લાનું નામ રોશન કરે તેમજ દિવ્યાંગ ખેલાડીઓ પેરાઓલમ્પિક સુધી પહોંચે તેવી તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે ખેલમહાકુંભ વિવિધ ચાર કેટેગરીઓમાં તા.30 એપ્રિલ થી 03 મે દરમિયાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુલક્ષીને જિલ્લાકક્ષાએ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામા આવ્યુ છે. આ ખેલ મહાકુંભમાં જુદી જુદી રમતોના કુલ ૨૬૨ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
કાર્યકમના મુખ્ય મહેમાન નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા , અતિથિ વિશેષ શ્રીઓ નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન ,શાસક પક્ષના નેતા કલ્પેશભાઈ ઢોડિયા, જિલ્લા યુવા પ્રમુખ વિરલભાઈ કોંકણી સહિત મહાનુભાવો અને વાલીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.