
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના વ્યાપથી ‘દિવ્ય ગુજરાત’ના નિર્માણની સંકલ્પના:
૭મા ‘વિશ્વ યોગ દિવસ’ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ, યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણ કરાયા:
ડાંગના વિસ જેટલા કોચ/ટ્રેનર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રોનુ કરાયુ વિતરણ:
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોગ કોચ ટ્રેનર્સને આપ્યુ માર્ગદર્શન :
આહવા: રાજ્યમા આગામી દિવસોમા ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના માધ્યમથી યોગનો વ્યાપ જન જન સુધી વિસ્તારવાની સંકલ્પના દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા સાથે, રાજ્યમા જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમા પણ વૃદ્ધિ કરવા સૌના તન, મન, બુદ્ધિ,અને આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ, તંદુરસ્ત કરીને ‘દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત’ બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
૭મા ‘વિશ્વ યોગ દિવસ’ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમારોહમા યોગ કોચ, અને યોગ ટ્રેનર્સને પ્રતિકરૂપે પ્રમાણપત્ર વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી, અને રાજ્યના જિલ્લા મથકોએ સ્થાનિક મહાનુભાવોના હસ્તે યોગ ટ્રેનર્સ, યોગ કોચને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ વેળા મુખ્યમંત્રી શ્રીએ પદાધિકારીઓ, અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક સંબોધન પણ કર્યુ હતુ.
કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ, પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે. પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓએ કરેલું છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આપણી આ પ્રાચીન વિરાસતને, વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરીને સમગ્ર વિશ્વમા યોગ દિવસની ઉજવણીનુ ગૌરવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને અપાવ્યુ છે તેમ જણાવ્યુ હતુ.
ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી પાછલા ત્રણ વર્ષમા યોગનો વ્યાપ ગામો, નગરોમા વિસ્તારવા યોગાભ્યાસ તાલીમ વર્ગો, ૭પ૦ કોચ, પ૩ હજાર જેટલા ટ્રેનર્સ તૈયાર કરવા સહિતની પ્રવૃત્તિઓથી ‘દિવ્ય ગુજરાત’ના નિર્માણની કલ્પનામા સક્રિય સહયોગ મળી રહ્યો છે તેમ જણાવી, શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ના મંત્રથી યોગને વધુને વધુ લોકો સુધી પ્રચલિત બનાવીને યોગમય ગુજરાત માટે સૌને આહવાન કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત યોગ સાધના, યોગ અભ્યાસમા પણ દેશમા અગ્રેસર બને તેવી આપણી નેમ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે આહવા સ્થિત જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમા યોજાયેલા એક કાર્યક્રમમા જિલ્લાના બે યોગ કોચ, અને અઢાર ટ્રેનરોને સ્થાનિક મહાનુભાવો એવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
મુખ્યમંત્રીશ્રીની સંકલ્પનાને સાકાર કરવાનો અનુરોધ કરતા આ મહાનુભાવોએ યોગ ટ્રેનર, અને યોગ કોચને અભિનંદન પાઠવ્યા હતા.