શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ પંચમહાલ,
શહેરામાં દિલ્હીથી મુંબઇ જતાં 43 સાઇકલ રાઇડર્સનું આગમન: ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું,
શહેરામાં દિલ્હીથી મુંબઇ જતાં 43 સાઇકલ રાઇડર્સનું આગમન 1460 કિલોમીટરની સાઇકલ સ્પર્ધાનું આયોજન:
પંચમહાલ: જી ટુ જી વર્લ્ડ અલ્ટ્રા સાયકલિંગ એસોસિએશન દ્વારા દિલ્હીના ઈન્ડિયા ગેટ થી મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા જવા માટે 1460 કિલોમીટરની સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં દેશભરના અલગ-અલગ રાજ્યોમાંથી 43 જેટલા સાયકલ રાઈડર્સોએ ભાગ લીધો હતો.
દિલ્હીના ઈન્ડિયા ગેટ થી નીકળેલા 43 જેટલા સાયકલ રાઈડર્સો અંદાજે 935 કિલોમીટરનું અંતર કાપીને બુધવારે ચોથા દિવસે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી વડોદરા અને સુરત થઈને ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચશે. આ સાયકલ યાત્રા દિલ્હીથી જયપુર, ભીલવાડા, ઉદેપુર,વડોદરા અને સુરત જેવા શહેરોમાં પસાર થઈને છ દિવસમાં મુંબઈ પહોંચશે તેમજ આ સાયકલ રાઈડર્સો દરરોજ 235થી 275 કિલોમીટરનું અંતર કાપે છે, મહત્વનું છેકે આ સાયકલ યાત્રામાં પંજાબ રાજ્યમાંથી 51 વર્ષીય ઓર્થોપેડિક ડોક્ટર પવન નિગરાએ પણ ભાગ લીધો હતો, અને આ સાયકલ યાત્રાએ વધતાં જતાં પ્રદૂષણ ઘટાડવા અને શરીરની તંદુરસ્તી માટેનો તમામ રાજ્યોમાં અનેક જગ્યાએ જન-જનને જાગૃતિના ભાગરૂપે સંદેશો આપ્યો છે.