શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
અગામી ૨૩મીએ દસમી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪’ના ભાગરૂપે સુરત ખાતે ટેક્ષટાઈલ અને એપેરલ્સ સેક્ટર પર પ્રી-વાઈબ્રન્ટ સેમિનાર યોજાશેઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશેઃ
પ્રી-વાઈબ્રન્ટ સેમિનારના આયોજન અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ::
”વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઈલ વિઝન” થીમ પર યોજાશે સેમિનાર:
સુરતઃ દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના ભાગરૂપે ટેક્ષટાઈલ અને એપેરલ્સ સેક્ટર પર પ્રી-વાઈબ્રન્ટ સેમિનારનું આયોજન આગામી તા.૨૩/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૦૦ વાગે સુરતના સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, ટેક્ષટાઈલ, વિવિંગ-ડાઈગ એસોસિયેશનો સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ એસોસિયેશનોના હોદ્દેદારો સાથે ટેક્ષટાઈલ ઈવેન્ટ સંદર્ભે સહયોગની અપેક્ષા વ્યકત કરીને અધિકારીઓને રજીસ્ટ્રેશનથી લઈને ભાગ લેનાર ઉદ્યોગકારોની યાદી તૈયાર કરવાની સુચના આપી હતી.
આ પ્રિ-ઈવેન્ટમાં “ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઈલ વિઝન” થીમ પર આયોજિત આ સેમિનારમાં વડાપ્રધાન શ્રીના આગવા 5F વિઝન- “ફાર્મ ટુ ફાયબર- ફાયબર ટુ ફેબ્રિક- ફેબ્રિક ટુ ફેશન- ફેશન ટુ ફોરેન”ની ઉપયોગિતા, ‘વિકસિત ભારત @૨૦૪૭’ માટે ગુજરાતની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટરના વિકાસ માટે રહેલી તકો સંદર્ભે વિવિધ સેકટરના ઉદ્યોગકારો, સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વાર્તાલાપ યોજાશે.
આ સેમિનારમાં સ્ટ્રેટેજી, વિઝન અને એક્શન પ્લાન, જરૂરી ફ્યુચર રેડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ટેકનોલોજીની ભૂમિકા અને ક્ષેત્ર પર તેની અસર, વિકસિત ભારત માટે ગુજરાતના ટેક્સટાઈલ વિઝન, લૂમ્સથી લઈને અગ્રણી એજ ટેક્સટાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિષયો પર ટેક્ષટાઈલ, વિવિંગ, ડાઈગ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, વિવિધ એસોસિયેશનના પ્રમુખશ્રીઓ, ટેક્સટાઈલ ઉદ્યોગકારો વચ્ચે વિવિધ સેશન્સ યોજાશે.