શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
માલેગામ ધાટમાર્ગમાં ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં રાહત અને બચાવની કામગીરી બદલ પોલીસ જવાનોને સન્માનિત કરાયા:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : તારીખ ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યાના સમય દરમિયાન સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામ ધાટમાર્ગમાં નાસિકના ત્ર્યંબકેશ્વરથી દ્વારકા ખાતે ધાર્મિક પ્રવાસે જઇ રહેલી એક પેડ ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમા દરમિયાન રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષાકર્મીઓને સુરત પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ રૂ.૫૦,૦૦૦/- નું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
પોલીસ તરફથી મળેલ વિગતો અનુસાર સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં ખાનગી બસ નં.UP-92-AT-0364 ના ચાલકે બસનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇને આશરે ત્રીસ ફુટ નીચે ઊંડી ખાઇમાં પડી ગઇ હતી. જેના કારણે બસમાં રહેલ કુલ-૫૧ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે બાબતે ડાંગ જિલ્લા પોલીસ ટીમ દ્રારા યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરશેન હાથ ધરી, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ઘરી હતી. તેમજ ગંભીર રીતે ઇજા પામેલાને વાહનની વ્યવસ્થા કરી અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યાં હતા. તેમજ પ્રાથમિક સારવાર આપી રજા આપેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યાત્રીઓ માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા પુરી પાડી, તેઓને પોતાના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતુ.
અકસ્માતની કોઇપણ ઘટના અંગે ભવિષ્યમાં પણ આવી સારી કામગીરી ખુબ જ ખંતપુર્વક કરતા રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ દ્વારા ડાંગ પોલીસની કામગીરીને બિરદાવી પોલીસના અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્રો તથા રોકડ રૂ.૫૦,૦૦૦/- નું ઇનામ આપવામાં આવ્યું હતું.
જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, પોલીસ ઇન્સપેક્ટર સાપુતારા શ્રી આર.એસ.પટેલ, હેડ કોન્સેબલ સર્વેશ્રીઓ શક્તિસિંહ હઠુભા, ધર્મેન્દ્રસિંહ નારસંગભાઇ, સુરેશભાઇ અર્જુનભાઇ, ધર્મેન્દ્રસિંહ હરીસિંહ, બિજલ સખારામભાઇ તેમજ રણજીતભાઇ ધનજીભાઇને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.