
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આંગણવાડી કેન્દોની આજુબાજુની ખૂલ્લી જગ્યામાં ૫૧૩ ન્યુટ્રી ગાર્ડન બનાવાયા:
૨૭ જેટલાં અતિ કુપોષિત બાળકોને સીએમટીસી/એનઆરસી ખાતે સારવાર માટે કરાયાં રિફર:
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રિય પોષણ માહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન:
રાજપીપલા : નર્મદા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા તા. ૧ લી સપ્ટેમ્બરથી તા. ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમિયાન નર્મદા જિલ્લાની દરેક આંગણવાડી કક્ષાએ “રાષ્ટ્રીય પોષણ માહ”ની કરાયેલી ઉજવણી અંતર્ગત કિશોરી, સગર્ભા માતા, ધાત્રીમાતા વગેરે લાભાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક હાથ ધરીને પોષણ માહની ઉજવણી સાર્થક કરાઇ છે.
તદઅનુસાર, જિલ્લાના નાંદોદમાં-૭૫, ગરુડેશ્વરમાં-૪૭, દેડીયાપાડામાં-૨૨૭, સાગબારામાં-૮૫ અને તિલકવાડામાં-૭૯ સહિત કુલ-૫૧૩ આંગણવાડી કેન્દ્રની આજુબાજુમાં ખુલ્લી જગ્યામાં ન્યુટ્રી ગાર્ડન બનાવવામાં આવ્યા છે. તદઉપરાંત, પોષણ પંચાયત અંતર્ગત દરેક ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા-ધાત્રીમાતાઓના પોષણ બાબતે નાંદોદમાં-૪૮, ગરુડેશ્વરમાં-૩૮, દેડીયાપાડામાં-૪૬, સાગબારામાં-૨૪ અને તિલકવાડામાં-૩૦ જેટલી પોષણ પંચાયત યોજીને પોષણ બાબતે માર્ગદર્શન પુરૂં પડાયું હતું તેમજ પોષણ મેળો અંતર્ગત દરેક ગામમાં કિશોરીના પોષણ સંબંધિત નાંદોદમાં-૨૬, ગરૂડેશ્વરમાં- ૨૨, દેડીયાપાડામાં-૩૫, સાગબારામાં-૩૭, તિલકવાડામાં-૧૮ જેટલા પોષણ મેળા યોજાયા હતાં. જેમાં કિશોરીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ અને હરીફાઈ કરવામાં આવી હોવા ઉપરાંત આરોગ્યલક્ષી સ્વચ્છતા અને પોષણ અંગેનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
તેવી જ રીતે વાનગી નિદર્શન અંતર્ગત કિશોરીઓ દ્વારા નાંદોદમાં-૯૭, ગરૂડેશ્વરમાં-૯૩, દેડીયાપાડામાં-૩૦૩, સાગબારામાં-૨૦૭ અને તિલકવાડામાં-૮૭ જેટલા આંગણવાડી કેન્દ્ર ખાતે જુદી જુદી વાનગી હરીફાઈ યોજીને મનુષ્યના આહારમાં પોષકતત્વોની ઉપયોગીતા સમજાવાઇ હતી. તદઉપરાંત, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાની ન્યુટ્રિશન ફેકલ્ટી દ્વારા વેબીનારના માધ્યમથી આઇસીડીએસનાં અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સગર્ભાવસ્થા-ધાત્રીવસ્થા દરમ્યાન ટીએચઆર દ્વારા જુદી જુદી વાનગી બનાવી પોષણક્ષમ આહાર અંગે માહિતગાર કરવામાં આવ્યાં છે.
તે જ પ્રમાણે, પોષણ તોરણ અંતર્ગત કિશોરીઓ દ્વારા નાંદોદમાં-૨૪૫, ગરૂડેશ્વરમાં-૪૪૯, દેડીયાપાડામાં-૧૬૩, સાગબારામાં-૧૩૨ અને તિલકવાડામાં-૪૫ પોષણ તોરણ તૈયાર કરીને, જોખમી સગર્ભાઓ અને અતિ કુપોષિત બાળકોના ઘરે આ તોરણ લગાવડાવીને પોષણલક્ષી સંદેશાઓ ગુંજતા કરાયાં છે. તદઉપરાંત, જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ દ્વારા યોજાયેલી “પોષણ સલાડ સ્પર્ધા” માં ૭૨૮૫ જેટલી કિશોરીઓએ ભાગ લઇ ઉપલબ્ધ લીલા શાકભાજી દ્વારા જુદા જુદા પ્રકારના સલાડ બનાવવામાં આવ્યા હતાં. જ્યારે આંગણવાડી કેન્દ્રના કુલ ૨૭ જેટલા અતિ કુપોષિત બાળકોને સીએમટીસી/એનઆરસી ખાતે ૨૧ દિવસની તબીબી સારવાર માટે રિફર કરાયાં છે, તેમ પ્રોગ્રામ ઓફીસરશ્રી, આઇસીડીએસ-નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.