
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી:
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની અધ્યક્ષતામાં દેડિયાપાડા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો:
નર્મદા: મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન-ઓફલાઈન જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં હાલ “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે.
“સ્વાગત સપ્તાહ”ની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા બાદ આજે તા.૨૫મી એપ્રિલ, મંગળવારના રોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ અને અરજદારોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ રોજ મંગળવારે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડા તાલુકા મથકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા 64 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં શરૂ થયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનો હેતુ માત્ર નાગરિકોની રજૂઆતો ધ્યાને લેવાનો જ નહિં પરંતુ તેથી પણ આગળ વધીને વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે દ્વિપક્ષીય સંવાદ સાધીને લોકોની અપેક્ષાઓ પૂરી કરી પરિણામલક્ષી કામગીરી કરવાનો છે. નર્મદા જિલ્લામાં લોકોની સમસ્યાઓ જેવી કે, પાણી, રસ્તા, આવાસ, સરકારશ્રીની સહાય યોજનાઓ, માળખાકીય સુવિધાઓ, જમીન માપણી, રેશનકાર્ડ, વિધવા સહાય, આવકના દાખલા જેવા પ્રશ્નો સહજ રીતે હોય છે. આ પ્રશ્નોનું સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવામાં આવતું હોય છે. પરંતુ કેટલાંક કિસ્સામાં નીતિગત નિર્ણયો અને એક કરતાં વધુ વિભાગોની સામેલગીરીને કારણે તેનું સંકલન ન થઈ શકવાને કારણે ક્યારેક સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈ શકાતો નથી. આવા પ્રકારના પ્રશ્નોને સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂ કરવામાં આવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા