શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં ‘મકરસંક્રાંતિ’ વિષય ઉપર રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન:
રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.૨૫ હજાર, દ્વિતીય રૂ.૧૫ હજાર,
તૃતીય રૂ.૧૦ હજાર અને અન્ય સાત વિજેતાઓને રૂ.૫ હજાર આશ્વાસન ઇનામો,
તાપી, વ્યારા: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજી વપરાશના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિગમ સુધી લઇ જવાની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના સંજોગોમાં સોશિયલ મીડિયા તથા વિડીયો ગેઇમ્સમાં કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરી રમત-ગમત પ્રવૃતિઓ સાથે અન્ય રચનાત્મક પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા ખુબ જરૂરી છે.
જે અન્વયે યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા યુવા વિકાસ અધિકારી કચેરી તાપી દ્વારા સંયુકત રીતે ‘મકરસંક્રાંતિ’ વિષય પર રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો (૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે.) માટે ભાગ લઈને ઈનામો જીતવાની તક છે. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ પોતાના ઘરે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર ‘મકરસંક્રાંતિ’ વિષય પર પોતાની ચિત્રકૃતિ તા.૨૪/૧૨/૨૦૨૧, બપોરે બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત-ગમત કચેરી / જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી બ્લોક, નં-૬ પ્રથમ માળ તાપી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે.
રાજ્ય કક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫ હજાર, દ્વિતીય વિજેતાને રૂ.૧૫ હજાર અને તૃતીય વિજેતાને ૧૦ હજાર એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫ હજાર (પ્રત્યેકને) આશ્વાસન ઈનામો આપવામાં આવશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.