શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના નાગરિકો અન્ય રાજ્યમાં જવાના હોય તેમણે RTPCR ટેસ્ટ કરવો ફરજ્યાત:
RTPCR ટેસ્ટ ૭૨ કલાક સુધી માન્ય છે.
તાપી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, શહેરી આરોગ્ય કેંદ્ર ઉપર આ ટેસ્ટ કરવામાં આવે છે
વ્યારા-તાપી : હાલમાં કોવિડ-૧૯નું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેમજ ગુજરાતના પડોશી રાજય મહારાષ્ટ્રમાં કોવિડ- ૧૯ કેસોમાં અત્યંત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ગુજરાત રાજયમાં મળેલ કોન્ટેકટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે તેના ધનિષ્ઠ સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે. મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-૧૯ના કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે તકેદારીના પગલારૂપે એપિડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયે નાયબ સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લાં ૭૨ કલાકમાં આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવેલ હોય અને તેનો રીપોર્ટ નેગેટીવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે. તથા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ ફરજીયાત પણે કરવા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, શહેરી આરોગ્ય કેંદ્ર ઉપર આ ટેસ્ટ કરવામાં આવે છે એમ જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા જણાવાયું છે.