
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વિશ્વાસથી વિકાસની યાત્રા ગુજરાતની વિકાસ ગાથા :
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂ. ૧૭.૨૯ કરોડના પ્રકલ્પોની ભેટ
ગુજરાત રાજ્યના ૨૦ વર્ષના વિકાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી એટલે “વિશ્વાસથી વિકાસ યાત્રા” :- આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ
નવસારીઃ રાજ્યના છેવાડાના વિસ્તારોને તમામ સુવિધાઓ પૂરી પાડી સર્વાંગી વિકાસ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે જે અનુલક્ષીને ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં વિકાસના કામો , સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો જન જન સુધી પહોંચ્યા છે . વિશ્વાસથી વિકાસની આ યાત્રાને આગળ ધપાવવાની નેમ સાથે રાજ્યભરમાં વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કામો થઈ રહ્યા છે જેમાં વિશ્વાસથી વિકાસ યાત્રા સમારોહ અંતર્ગત નવસારી જિલ્લાના ચિખલી પ્રાંતમાં દિનકર ભવન હોલ ખાતે રૂા.૧૭.૨૯ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો .
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી આજે સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રા ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ રહયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જિન સરકારની આગેવાની હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી-લોકોપયોગી કાર્યોને ઝડપથી પ્રમાણિકપણે પૂરા કરવામાં આવી રહ્યા છે. ચીખલી પ્રાંતમાં આજે થઈ રહેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોથી ચિખલી વિસ્તારમાં લોકોનો આર્થિક-સામાજિક અને શૈક્ષણિક વિકાસ ઝડપી બનશે.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આ પ્રસંગે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ’’ના મંત્રને વરેલી આ સરકાર સમાજ અને પ્રજાને જોડી મજબૂત ગુજરાત અને રાષ્ટ્ર નિર્માણ કરવાની પ્રતિબધ્દ્ધતા વ્યક્ત કરી છે , સરકાર લોકોની માંગણી અને લાગણી મુજબ વિકાસકામો શરુ કરી સમયમર્યાદામાં પૂરા કરીને લોકોની સુખાકારી વધારવા સતત પ્રયત્નશીલ છે. સરકાર સંપૂર્ણ પારદર્શિતા અને પ્રામાણિકતાથી કામ કરી રહી હોવાનું જણાવી છેવાડાના વિસ્તારોમાં થયેલ સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાકીય ક્ષેત્રે કરેલ સિદ્ધિઓની વિસ્તૃત જાણકારી આપી હતી .
આજના ચિખલી પ્રાંતના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ૬૮૦ કામોનું રૂા.૧૭ કરોડથી વધુના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત અને ગણદેવી નગરપાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રીમતી દીપાબેન પટેલ, જાહેર આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી પ્રકાશભાઈ પટેલ, સિંચાઇ અને પશુપાલન સમિતિ અધ્યક્ષ શ્રી પરિમલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિતાબેન પટેલ, પદાધિકારીઓ/અધિકારીઓ સહિત ખુબ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ચીખલી પ્રાંત અધિકારીશ્રી અમિતભાઈ ચૌધરીએ સ્વાગત કર્યુ હતું તથા ચિખલી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આભાર વિધિ કરી હતી.