શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
તાપી જિલ્લા કક્ષાના ૧૫મી ઑગસ્ટ ૨૦૨૩ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
તાપી: તા.૦૧ દરવર્ષની જેમ આ વર્ષે ૧૫મી ઑગસ્ટ ૨૦૨૩ એટલે કે ૭૭માં સ્વતંત્ર દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને કલેકટર સભાખંડ ખાતે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠકના અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઑગસ્ટ ૨૦૨૩ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આપણે સૌએ તેમાં સહભાગી બનીએ.વધુમાં વધુ બાળકો અને ગ્રામજનો આ પર્વની ઉજવણીમાં જોડાઇ તે પ્રકારનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.
સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ડોલવણ ખાતે યોજાનાર છે જેને અનુલક્ષી તમામ સુવિધાઓ જેમ કે પાણીપુરવઠો,વીજળી પુરવઠો,મંડ્પ , બાળકો માટે દુધ અને ફૂડ પેકેટ, આરોગ્ય જેવી સેવાઓ મળી રહે તેવું આયોજન કરવા તથા ૧૫મી ઑગસ્ટની સ્પિચ તૈયાર કરવા સંબધિત વિભાગોને જણાવ્યું હતું.
નોધનિય છે કે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડોલવણ ખાતે યોજાનાર છે જ્યારે તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં વ્યારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ચીખલી, વાલોડ તાલુકાનો બુટવાડા ખાતે, સોનગઢ તાલુકાનો પીપળકુવા,ઉચ્છલ તાલુકાનો સુંદરપુર, નિઝર તાલુકામાં ખોડદા ખાતે અને કુકરમુંડા તાલુકાનો તોરંદા ખાતે ૧૫મી ઑગસ્ટ ૨૦૨૩ એટલે કે ૭૭માં સ્વતંત્ર દિનની ઉજવણીના તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, કાર્યપાલક ઇજનેર મા.મ(સ્ટેટ) મનિષ પટેલ, પુરવઠા અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, ડોલવણ મામલતદાર હાર્દિક સતાસીયા, આયોજન અધિકારી, ડિજીવીસીએલના અધિકારી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા.