શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લો -“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન”
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના આમાલપાડ, બોરદા ગામ સહીત વિવિધ ગામો ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ:
રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ‘અમૃત કળશ’ યાત્રાની લીધી મુલાકાત:
દેશની આઝાદીના ઇતિહાસમાં ધરતી માતાને ગૌરવ આપવાનું કામ આપણા વડાપ્રધાનશ્રીએ કર્યું છે :- રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ
તાપી: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરાઇ હતી. આ સાથે વીર શહીદોની યાદમાં ઠેર ઠેર ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ સાથે કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે બીજા ચરણમાં કળશ યાત્રાનું દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.
બીજા ચરણની કળશ યાત્રાના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાઘડકુવા, આમલપાડા, ફતેહપુર, બોરદા ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીના ઇતિહાસમાં ધરતી માતાને ગૌરવ અપાવવાનું કામ આપણા વડાપ્રધાનશ્રીએ કર્યું છે.
આજે તમે એકત્ર કરેલી ચપટી માટી, આપણી રાજધાની દિલ્લી ખાતે લઇ જવામાં આવશે, અને ત્યાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોની યાદમાં ‘અમૃત વન’ બનાવવામાં સિંહફાળો આપશે.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન મુખ્ય ઉદેશ દેશની માટીનું ઋણ અદા કરવા, અને આઝાદી માટે ત્યાગ, બલિદાન આપનારા મહાનાયકો, વીરો, શહીદોના સન્માનમાં દેશના તમામ ગામોમાંથી માટીને એકત્રિત કરીને, દિલ્હી ખાતે પહોંચાડવાના હેતુ છે. સાથે આ યાત્રા દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાડવા માટેનો પણ એક નમ્ર પ્રયાસ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ ‘અમૃત કળશ યાત્રા’મા જિલ્લા, તાલુકા પંચાયત સમિતિના પ્રમુખશ્રી, સભ્યો, અને ગામના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.