શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટની ખરીદીમાં નાણાકીય સહાય મેળવવા ખેડૂત મિત્રો તા.૦૯ ઓક્ટોબરથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શક્શે:
રાજ્યના ખેડૂતો ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવી શકે તે માટે સોલાર પાવર યુનિટ/કીટની ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત મિત્રો અરજી કરી શકે તે માટે તા.૦૯ ઓક્ટોબર-૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે, જેનો ખેડૂતોએ મહત્તમ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો ન હોય તેને સોલાર ફેન્સીંગ બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સહાય માટે ખેડૂતને પૂર્વ મંજૂરી મળ્યા બાદ ૬૦ દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે કિટની ખરીદી અંગેના જરૂરી આધાર પુરાવા ખેડૂતે સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાના રહેશે. જેમાં કિટ ખરીદીનું ઓરીજીનલ GST નંબર ધરાવતું બિલ, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેંક પાસબુકની નકલ/રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ તેમજ કબુલાતનામું આધાર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે.
ખેડૂતોએ સોલાર પાવર યુનિટ/કીટમાં ENRGIZER, સોલાર પેનલ, બેટરી, અર્થિગ સિસ્ટમ, હૂટર, (એલાર્મ), મોડ્યુલ સ્ટેન્ડની ફરજિયાત ખરીદી કરવાની રહેશે. ખેડૂતોને આ કીટ માટે ૧૦ વર્ષે એક જ વખત સહાય મળવાપાત્ર થશે તેમ, એક અખબારી યાદીમાં જણાવાયું છે.