
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આઝાદી સમયમાં લડવૈયાઓના બલિદાન,ખમીરવંતી શૌર્યગાથાઓ, લોકગીતના મોતી એકઠા કરવાનું ભગીરથ કાર્ય ખ્યાતનામ સાહિત્યકારે કર્યું છે. જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે..– સૂરજભાઈ વસાવા
તાપી, (વ્યારા) તા.૨૮ઃ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ વ્યારા નગર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં “ કસુંબીનો રંગ ઉત્સવ” કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા,જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા,નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય સંગીત,નાટક અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના રાષ્ટ્રિય શાયરની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવી રહયા છે ત્યારે તેમના એક એક શબ્દ શિરમોર નામ ઝવેરચંદ મેઘાણી વિરાટ વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. આઝાદીની લડત દરમિયાન શહિદોના બલિદાન,ખમીરવંતી શૌર્યગાથાઓ અને જુદા જુદા સમાજમાં લોકગીતો સ્વરૂપે રહેલા સાહિત્યના મોતીઓને એકમાળામાં પરોવવાનું કઠીન કામ મેઘાણીએ કર્યું છે. જે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે. તાપી જિલ્લાના યુવાનો સાહિત્ય ક્ષેત્રે આગળ વધી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારીને ફાળવવામાં આવતી વિવેકાધીન ગ્રાન્ટમાંથી પુસ્તકો અને કબાટ ખરીદવા માટે તમામ સરકારી લાયબ્રેરીઓને ૧ લાખ રૂપિયા આપવાની પ્રમુખ સૂરજભાઈ વસાવાએ જાહેરાત કરી હતી.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ તાપી જિલ્લાના લોકોને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ના નેતૃત્વમાં ગુજરાતનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રવેશોત્સવ,કૃષિ મહોત્સવ જેવા અનેક ઉત્સવો કર્યા આજે આપણે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ થકી સાહિત્યમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીએ તો જીવન સાર્થક થઈ જાય.
પ્રાંત અધિકારી હિતેષ જોશીએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે નવયુવાનોમાં જોશ અને જુસ્સો ભરપૂર હોય છે. તાપી જિલ્લામાં વેક્સિનેશન ડ્રાઈવ કામગીરી દરમિયાન વહીવટીતંત્રને મુશ્કેલીઓ પડી હતી. ત્યારે કોલેજના યુવાનો સાથે વર્કશોપ કર્યો અને ૨૫૦૦ વિદ્યાર્થીઓએ બીડુ ઝડપ્યું અને ૫૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ. ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો ખરેખર યુવાન ધારે તો બધુ કરી શકે છે.
“ કસુંબીનો રંગ ઉત્સવ” કાર્યક્રમમાં તાજેતરમાં રાજ્યકક્ષાએ લોકગીતો રજુ કરનાર ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ આર.ચૌધરી અને તેમના કલાવૃંદે ઝવેરચંદ મેઘાણીના પ્રખ્યાત શૌર્યગીત,લોકગીતો આગવી શૈલીમાં રજુ કરીને શ્રોતાઓને ડોલાવી દીધા હતા. પ્રદિપભાઈએ શ્રોતાઓને લોકસાહિત્યના અણમોલ વારસાનું જતન,સંવર્ધન કરવા જણાવ્યું હતું સાથે ગરવી ગુજરાતની નોખી પરંપરાઓ સાંસ્કૃતિક વારસો જાળવી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવા સૌને હાકલ કરી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાપી જિલ્લાના ૬ સરકારી પુસ્તકાલયોના ગ્રંથપાલનું પુસ્તકો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી જિલ્લા પુસ્તકાલય વ્યારા દ્વારા ભારે જહેમત ઉઠાવી પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
કસુંબીના રંગ ઉત્સવમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, મામલતદાર બી.બી.ભાવસાર, જિ.પં.ઉપપ્રમુખ અર્જુનભાઈ ચૌધરી,સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, મહામંત્રી પંકજભાઈ ચૌધરી,કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, વાલોડ તાલુકા પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી, પોલીટેકનીક ડીપાર્ટમેન્ટ વડા રૂપલ મર્ચન્ટ અને સ્ટાફ, દિવ્યાબેન,પૂર્વ કલેકટર બી.કે.કુમાર સહિત શિક્ષણ વિભાગ, યુવા મંડળો અને વ્યારા નગરજનો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.