શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો:
લોકો સામે હાથ લંબાવવો ન પડે તે માટે આત્મનિર્ભર બની સન્માન અપાવવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.:- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ) ખાતે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા અતિથિ વિશેષ એસ.ટી.મોર્ચાના પ્રમુખ હર્ષદભાઈ વસાવા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો હતો.
પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કેન્દ્ર સરકારની યોજનાની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું હતું કે જ્યારથી વડાપ્રધાનશ્રીએ શાસન સંભાળ્યુ છે ત્યારથી માત્ર ને માત્ર ગરીબોની ચિંતા કરી છે.કોઈપણ યોજના હોય તેનો સીધે સીધો લાભ લાભાર્થીને મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકો સામે હાથ લંબાવવો ન પડે તે માટે આત્મનિર્ભર બની સન્માન અપાવવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. તાપી જિલ્લાના શહેરી વિસ્તારમાં આવાસ યોજના હેઠળ ૬૩૨ લોકોને આવરી લીધા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ૯૦ ટકા સિધ્ધિ હાંસલ કરી ૫૦૫૦ જેટલા લાભાર્થીઓને આવાસનો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ રૂા.૧૮.૮૫ કરોડ કુલ ૯૧,૯૨૫ લાભાર્થીઓને તેમના ખાતામાં જમા થયા છે. ૭૦,૦૦૦ બહેનોને ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ સો ટકા સિધ્ધિ પ્રાપ્ત કરી છે. નલ સે જલ યોજના હેઠળ ૨,૧૨,૩૧૯ લોકોના ઘરે પીવાના પાણી પહોંચ્યા છે.વન નેશન વન રેશન યોજના હેઠળ પરપ્રાંતના લોકોને રાશન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આયુષમાન ભારત યોજના હેઠળ ૨,૩૧,૦૦૦ લોકોને લાભ આપવામાં તાપી અગ્રેસર છે. કોવિડ વેક્સિનેશનમાં સો ટકા સિધ્ધિ, મનરેગા હેઠળ ૬૯ તળાવ ઉંડા કરાયા,૩૦ જેટલા રમતના મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ભગિરથ પ્રયાસ કરનાર વહીવટી તંત્ર અને પદાધિકારીઓને મંત્રીશ્રી પટેલે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
એસ.ટી.મોર્ચાના પ્રમુખ હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કેન્દ્ર સરકાર કરી રહી છે. ત્યારે સરકારનો મુખ્ય ઉદે્શ પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્યો કરવાનો છે. ગરીબ સમાજ માટે સેવાકિય કામગીરી કરવાની છે.સરકારની યોજનાઓથી લાભાર્થીઓની પીડા દુર થઈ છે. રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં બજેટમાં જોગવાઈ કરી શિક્ષણમાં સુધારા કર્યા અને તેના દ્વારા સમાજના સારા નાગરિકો બને તે માટે સરાહનિય પ્રયાસ હાથ ધર્યો છે.સમસ્યાનું નિવારણ કરવાની સરકારે નેમ લીધી છે.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સરકારની ફ્લેગશીપ યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા લાભાર્થીઓને લાભ મળે તે માટે એક ઝૂંબેશના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ સખીમંડળોએ પોતાની પ્રોડક્ટસ સ્ટોલમાં પ્રદર્શિત કરી જેનાથી લાખો રૂપિયાનું વેચાણ થયું અને સખીમંડળોના બહેનોને તેનો લાભ થયો છે. પોષણ અભિયાન હેઠળ બાળકો,કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને લાભ અપાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ મુદ્રા યોજના, શેરીના ફેરિયાઓ માટે રૂા.૧૦ હજાર સુધીની સહાય જેવી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ વર્ષના અંત સુધીમાં સો ટકા લાભાર્થીઓને પહોંચાડી સ્વનિર્ભર બને તેવા પ્રયાસ છે.
કલાવૃંદ એકેડમીની બાલિકાઓએ ભરત નાટ્યમ રજુ કર્યું હતું. કે.કે.કદમ કન્યા શાળાની બહેનોએ આદિવાસી નૃત્ય રજુ કર્યું હતું. પોષણ અભિયાનના લાભાર્થી રાધિકાબેન અને આયુષમાન ભારત યોજનાના લાભાર્થી સમીરભાઈ શાહે મંત્રીશ્રી સાથે પ્રધાનમંત્રીશ્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા, સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, જિ.પં.ઉપ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, પંકજભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, સુરત ડિ.કો.ઓપ.બેન્ક ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી સાગરભાઈ મોવાલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન જિલ્લા ગ્રામ વિકાસ નિયામક અશોકભાઈ ચૌધરીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.