રાષ્ટ્રીય

વરાછા ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને શિક્ષક દિન ગુરૂવંદના ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સુરત ફતેહ બેલીમ 

વરાછા ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને શિક્ષક દિન ગુરૂવંદના ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો:

બાળકોનું ઘડતર માતૃભાષા જ થવું જરૂરી: માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે,

જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે,

સારું કામ કરવાનો વિચાર કે સંકલ્પ થાય તો મોડું ન કરવું:- કેન્દ્રીય પશુપાલન મંત્રી      

‘શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન વ્યાખ્યાન માળા’નું કેન્દ્રીય પશુપાલન મંત્રીના હસ્તે ઈ-લોન્ચિંગ

શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન વ્યાખ્યાન માળામાં જોડાયેલી શાળાઓને મંત્રીના હસ્તે રૂ.૩.૨૦ લાખનો ચેક અર્પણ કરાયો

 કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને વિદ્યાદીપ યુનિવર્સિટી, લાઈફ મોલ્ડીંગ એકેડેમી અને માતૃશ્રી દવલબેન આર. મુંજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વરાછા, ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગુરૂ વંદના ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન વ્યાખ્યાન માળા’નું કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રીએ ઈ-લોન્ચિંગ કર્યું હતું, જેમાં સુરતની ૬૦થી વધુ શાળાઓ જોડાઈ છે. આ પહેલમાં જોડાયેલી શાળાઓને મંત્રીશ્રીના હસ્તે રૂ.૩.૨૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો. 

                આ પ્રંસગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય પરંપરામાં ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગનું આગવું મહત્વ છે. ભારતીય ઋષિ- વેદ પરંપરા અને સંસ્કૃતિની ગાથા સમાન ગીતા એ વિશ્વને અણમોલ ભેટ છે. બાળકોને આપની સંસ્કૃતિના પાઠ ભણાવવાનું આપને ચૂકી ગયા છીએ. શાસ્ત્રનો સંગ એ પણ સત્સંગ ગણાય. આપણી નવી પેઢીને ભારતીય શાસ્ત્રો, વેદો, પુરાણો સાથે પરિચય કરાવવાની તાતી જરૂર છે.     

         

                બાળકોનું ઘડતર માતૃભાષા જ થવું જોઈએ તેવું હાજર સૌને આહ્વન કરતા કહ્યું કે, માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. 

                વધુમાં શ્રી રૂપાલાએ કહ્યું કે, શાળાજીવનમાં જે આત્મ સંતોષ, પ્રેમ, હૂંફ અને સન્માન શિક્ષક કે ગુરૂજનના સાન્નિધ્યમાં મળે છે એ અતુલ્ય હોય છે. ગુરુપદોમાંથી ગુરુ વંદના થઈ અને શિષ્યના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુરુજનો શિષ્યને વિદ્યા આપતા. એટલે જ અમુક શક્તિઓ યોગ્ય વ્યક્તિઓના હાથમાં જવી જોઈએ એ આપણી ગુરૂ પરંપરાનો ઉમદા આશ્ય હતો. ગુરુકુળ પરંપરામાં રાજા અને રૈયતના બાળકો સમાનભાવે ભણતા હતા. વિદ્યાદાનને પૂણ્ય કાર્ય સમજવામાં આવતું હતું. 

            તેમણે વાલીઓને ટકોર કરતા કહ્યું કે, બાળકો પર અપેક્ષાઓનો ભાર લાદીને તેમનું અણમોલ બાળપણ ન છીનવો, બાળકોને વિકસવાનો, ખીલવાનો અધિકાર છે. 

           રામાયણની વાતનો મર્મ સમજાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, સારા કામમાં વિલંબ ન કરવો અને ખોટુ કાર્ય કરવાનો વિચાર આવે ત્યારે શક્ય એટલું મોડું કરવું એવી રામાયણમાંથી શીખ લેવી જોઈએ. 

              આ વેળાએ આયોજક સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પુસ્તક તુલા કરવામાં આવી હતી. 

                આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ, લાઈફ મોલ્ડિંગ એકેડમીના ડો.સંજયભાઈ ડુંગરાણી, મુંજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન મોહનભાઈ મુંજાણી, શ્રીમતિ સુષ્માબેન અગ્રવાલ, સામાજીક અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, વલ્લભભાઈ સવાણી, પૂર્વ શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી, રાજેશભાઈ ધોળકીયા, વસંતભાઈ ગજેરા, જીવરાજભાઈ ધારૂકા, કાનજીભાઈ ભાલાળા, બી.એસ.અગ્રવાલ, પૂર્વ પોલીસ કમિશ્નર હરિકૃષ્ણભાઈ પટેલ, ડો.પ્રફુલભાઈ શિરોયા સહિત શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है