શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ:
જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ:
આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા સરકારશ્રી ખડેપગે:
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે “જ્યાં નાગરિક, ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે ત્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય છે,
“વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોના પડખે ઊભા રહેવા સરકારની નેમ છે:- રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ગુણસદા ખાતેથી “વિશ્વ આદિવાસી દિવસ”નો શુભારંભ કરાવ્યા બાદ દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ રાજપીપલા સહિત રાજ્યમાં સૌએ નિહાળ્યું:
રાજપીપલા: વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે નર્મદા સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ કેમ્પસમાં વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.
વિશ્વ આદિવાસી દિનને વિશેષ મહત્વ આપતા રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ છે. આ આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકારોએ “જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, દેશની આઝાદીની લડાઈમાં દેશના અનેક રાજ્યોના આદિવાસીઓએ શહીદી વ્હોરી બલિદાન આપ્યા છે. જેમાંના બિરસા મુંડા, તાત્યા ભીલે પણ પોતાનું આગવું યોગદાન આપ્યું છે. જેમના નામે સરકારશ્રી દ્વારા નર્મદા જિલ્લા અંદાજિત 300 કરોડની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. જેમાં આદિવાસી સમાજના બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી શકશે, તેમજ સરકારશ્રી દ્વારા સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્રે આદિવાસી બાંધવોના જીવનમાં પ્રકાશ પાથરી ઊર્જા શક્તિ, મહિલા સશક્તિકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના, રોડ રસ્તાનું નિર્માણ, સિંચાઈ સુવિધા પુરી પાડી રહી છે. એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી આવેલું છે. જેમાં સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓ સાથે અનેક જોગવાઈઓ કરવા આવેલ છે. તેમજ પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેની હોમ-સ્ટે જેવી યોજનાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે આદિવાસી બાળકો અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યાં છે. દેશના રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ આદિવાસી મહિલાા માન. દ્રૌપદી મુર્મુ એક ઉત્તમ ઉદાહરણ છે, જે આદિવાસી સમાજ સહિત આપણા સૌ માટે ગૌરવની વાત છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રગતિશીલ પશુપાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, કલાકારો સહિત રમતવીરોને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, પ્રાયોજના વહિવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ એલ. વસાવા, રાજપીપલા નગરપાલિકા પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, અગ્રણી સર્વ શ્રી શબ્દશરણભાઇ તડવી, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, તેમજ જિલ્લા-તાલુકાનાપદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.