શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને દરમહિને રૂ.૪૦૦૦/- ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ બાળકોના બેંક ખાતામાં જમા થયા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો કરાવ્યો પ્રારંભ:
કોરોના મહામારી દરમિયાન કોરોનાને લીધે ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોએ માતા-પિતા બંન્નેની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકના ખાતામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી દર મહિને રૂા.૪ હજારની સહાય જમા થશે;
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત લાભાર્થી બાળકો-વાલીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાઇને સહભાગી બનતો નર્મદા જિલ્લો
રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં શ્રી મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૨ લાભાર્થી બાળકોને પ્રતિક રૂપે કિટ્સ અને ઓનલાઇન પેમેન્ટના મંજૂરીપત્રો કરાયાં એનાયત;
રાજપીપલા :- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, કમિશ્નરશ્રી દિલીપ રાણા, સમાજ સુરક્ષા વિભાગના નિયામકશ્રી જી.એન.નાચીયા વગેરેની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોવિડ-૧૯ ની મહામારી દરમિયાન માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા રાજ્યભરના ૭૭૬ જેટલાં બાળકોને દરમહિને રૂા. ૪ હજારની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા બાળકોના ખાતામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ થકી જમા કરાવ્યાં હતાં, જેમાં નર્મદા જિલ્લા કલેકટરાલય ખાતે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ભાઇલાલભાઇ પરમાર અને અન્ય સભ્યશ્રીઓ, જુવેનાઇલ જસ્ટીશ બોર્ડના સભ્યશ્રીઓ, સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી પી.એફ.ખોજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર અને લાભાર્થી બાળકો અને તેમના પાલક વાલીશ્રીઓ વગેરે પણ આ કાર્યક્રમમાં જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી ઓનલાઇન વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં પાંચ જેટલાં બાળકોને પ્રતિક રૂપે કિટ્સ અને ઓનલાઇન પેમેન્ટના મંજૂરીપત્રો એનાયત કરાયા હતાં.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી નિરાધાર બાળકની પાલક બની છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦/- ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે દેશમાં કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે પીએમ કેર ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને ૪૦૦૦/- ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૨ લાભાર્થી બાળકોને પ્રતિક રૂપે કિટ્સ સહિત ઓનલાઇન પેમેન્ટના મંજૂરી હુકમો એનાયત કરીને પ્રોત્સાહિત કરાયાં હતાં. નર્મદા જિલ્લામાં હાલમાં કુલ-૧૨ જેટલાં બાળકોને ઉક્ત યોજનાનો લાભ અપાશે.
સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે બાળકો સાથે આવેલા તેમના પાલક વાલી સાથે પણ સંવેદનાસભર સંવાદ કરી બાળકના માતા પિતા વિશે પૃચ્છા કરી હતી.
સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા બંન્નેની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી દરેક બાળકના ખાતામાં દર મહિને રૂા.૪ હજાર જમા થશે. નર્મદા જિલ્લામાં એવા ૧૨ બાળકોની જિલ્લા વહિવટીતંત્રએ શોધખોળ કરી છે તેવા ૧૨ જેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળશે.
શ્રી વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે એક બાળક અને એક બાળકી એમ બે બાળકોને કલેક્ટર ઓફિસમાં આ સહાયનો લાભ આપવામાં આવ્યો છે. બાકીના ૧૦ જેટલાં બાળકોને પણ આનો પૂરેપુરો લાભ મળશે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે, ગરીબો માટે કામ કરનારી આ સંવેદનશીલ સરકાર છે. કોરોના મહામારી દરમિયાન જેમણે માતા-પિતા ગુમાવ્યા હોય તેવા લોકોની પણ આ સરકારે ચિંતા કરીને આ બાળકોનો આધાર બનવાનો સેવાયજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે.