રાષ્ટ્રીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે મહત્વના નિર્ણય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે મહત્વના નિર્ણય લેવાયા: 

રાજ્યની ૮૭,૦૦૦ થી વધુ સહકારી મંડળીઓને ૨૦% સુધી ડિવિડન્ડ વહેંચવાની મંજૂરી અપાઇ:

સહકારી મંડળીયોમાં રૂપિયા ૫ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત: 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ૮૭,૦૦૦ થી વધુ સહકારી મંડળીઓના લાખો સભાસદોના હિતમાં સહકારી મંડળીઓને ૨૦% સુધી ડિવિડન્ડ વેચવાની મંજૂરી આપેલ છે. જેના થકી દર વર્ષે અંદાજીત કરોડો રૂપિયાનો ફાયદો થશે.

વધુમાં સહકારી મંડળીઓ દ્વારા ખરીદીને વધુ પારદર્શક બનાવવા ગુજરાત સરકાર દ્વારા તા.૩૧/૦૭/૨૩ના જાહેરનામાથી રાજ્યની ટોચની સહકારી મંડળીઓ, સમવાયી સહકારી મંડળીઓ, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બેંક અને ખાંડ સહકારી મંડળીઓને રૂપિયા ૫,૦૦,૦૦૦/- થી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત કરાઇ છે. આથી આ સહકારી મંડળીઓએ હવે રૂ. ૫,૦૦,૦૦૦/ થી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે,

ગુજરાત રાજ્યમાં ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્વના એવા સહકાર ક્ષેત્રમાં જરૂરી સુધારા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્વના નિર્ણય કરાયા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા આ જનહિતકારી નિર્ણય કરવામાં આવ્યા છે. 

હાલની સ્થિતિએ ગુજરાતમાં સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર ૧૫% સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી સભાસદોને કરી શકતા હતા,પરંતુ રાજ્ય સરકારના તા- ૧૧/૦૮/૨૦૨૩ના નોટિફિકેશનની ડિવિડન્ડની મર્યાદા ૨૦% કરવામાં આવેલ છે.જેના કારણે સહકારી મંડળીઓ ચોખ્ખા નફામાંથી સભાસદોની શેરની રકમ ઉપર ૨૦% સુધી ડિવિડન્ડ વહેંચશે ત્યારે સભાસદોને દર વર્ષે ૫% વધારાનો સીધો ફાયદો થશે. આ નિર્ણય થી સહકારી મંડળીઓ સાથે જોડાયેલા લાખો સભાસદો અને તેમના પરિવારના કરોડો સભ્યોને આડકતરી રીતે મોટો આર્થિક લાભ થશે.

રાજ્યની સહકારી મંડળીઓમાં થતી ખરીદીને પારદર્શક બનાવવા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ માં કલમ-૧૫૬ A ઉમેરવામાં આવેલ હતી.પરંતુ કઈ સહકારી મંડળીઓએ ઈ-ટેન્ડરિંગ કરવું તથા કેટલી રકમની ખરીદી માટે ઈ-ટેન્ડરિંગ કરવું તે બાબત નક્કી થયેલ ન હતી.

ગુજરાત સરકાર દ્વારા ઇ-ટેન્ડરીંગ ફરજીયાત કરવામાં આવતા રાજ્યની સહકારી મંડળીઓમાં પારદર્શક ખરીદી થશે. જેથી તેનો સીધો ફાયદો રાજ્યના લાખો લોકોને થશે કે જેઓ સભાસદ તરીકે આ મંડળીઓ સાથે જોડાયેલા છે. આ જાહેરનામાં થી રાજ્ય સરકારે પારદર્શક વહીવટની પ્રતિબદ્ધતાનો જનતાને અહેસાસ કરાવેલ છે. 

ગુજરાત સરકાર સહકારી ક્ષેત્રને મજબૂત કરવા તથા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સભાસદોના આર્થિક લાભ માટે સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है