
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આદિજાતિ સમાજના સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે: ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા
વનબંધુ યોજના થકી આદિવાસી બાંધવોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છેઃ ધારાસભ્ય
ગ્રામીણ ટુડે, સુરત: સુરત જિલ્લાના મહુવા સુગર ફેકટરી ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે મહુવાના આદિવાસી વિસ્તારના જરૂરીયાતમંદોને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
રાજયનો આદિજાતિ સમાજ સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયકશ્રી ગુરુ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલે જણાવ્યું કે, આદિવાસી જનનાયક બિરસામુંડાજીએ આદિજાતિના લોકો અને તેમના વર્ચસ્વ માટે અંગ્રેજોની મહાસત્તા સામે લડત આપી શહીદી વ્હોરી હતી. તેમને સૌ પ્રથમ વખત ઓળખ આપવાની પહેલ ગુજરાતે કરી હતી.
બિરસા મુંડાજીએ આદિવાસીઓને સંગઠિત કરી તેમના વિકાસ માટે જે કાર્યો કર્યા હતા. તેને આગળ ધપાવવાનું મુખ્ય કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અવિરત ચાલી રહ્યું છે. જેથી તેમણે ગામેગામ સમગ્ર આદિવાસી સમાજે એકત્ર થઈ વધતા શહેરીકરણ સામે પોતાની સંસ્કૃતિ અને રીતભાતોનું સંરક્ષણ કરી આવનારી પેઢીને આપવાનું સત્કાર્ય કરવામાં સહર્ષ ફાળો આપવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી વર્ષાબેન રાઠોડ, પ્રમુખશ્રી તાલુકા પંચાયત બારડોલી શ્રીમતી જમાનાબેન રાઠોડ, નાયબ કલેક્ટર અને પ્રાંત બારડોલી સુશ્રી જે એન પરમાર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના અધ્યક્ષ શ્રી રાકેશભાઈ પટેલ, મામલતદારશ્રી મહુવા શ્રી એમ.બી.પટેલ, મામલતદારશ્રી વાલોડ શ્રી વાય.જી.પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જીનેશભાઈ ભાવસાર, શ્રી રીટાબેન પટેલ, ભાવેશભાઇ, ભુપેન્દ્રભાઈ કે ગામીત, તાલુકા વિકાસ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.