શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
દેશ ભક્તિના રંગે રંગાયુ સુરત:
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાની આગેવાનીમાં કતારગામ વિસ્તારમાં ચાર કિ.મી. લાંબી તિરંગા યાત્રા યોજાઈ:
કતારગામની ૧૫૦થી વધુ ડાયમંડ કંપનીઓના ૪૦,૦૦૦થી વધુ રત્નકલાકારો તિરંગા પદ યાત્રામાં જોડાયા: મા ભારતીના જયઘોષથી સમગ્ર વિસ્તાર દેશ પ્રેમના નાદથી ગુંજી ઉઠયો:
દેશના સૌ નાગરિકો માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર બન્યો છે:-મંત્રી વિનોદભાઈ મોરડીયા:
દેશભક્તિસભર ગીતોથી ઉત્સાહ-ઉમંગ સાથે રત્નકલાકારો, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના વ્યક્ત કરી:
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૩ થી ૧૫મી ઓગસ્ટ સુધી દેશવ્યાપી હરઘર તિરંગા અભિયાનનો આજે પ્રારંભ થયો છે, ત્યારે કતારગામના અનાથ બાળાશ્રમ ખાતેથી શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની આગેવાનીમાં કતારગામ વિસ્તારની ૧૫૦થી વધુ હીરા કંપનીઓના રત્નકલાકારો તથા શાળાના વિદ્યાર્થીઓ સાથે ચાર કિલોમીટરની લાંબી ઐતિહાસિક ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. ભારતીના જયઘોષથી સમગ્ર વિસ્તાર દેશ પ્રેમના નાદથી ગુંજી ઉઠયો હતો.
તિરંગા યાત્રા કતારગામના અનાથ બાળઆશ્રમથી પ્રસ્થાન કરી ધનમોરા, વાળીનાથ ચોક, સીંગણપોર ચાર રસ્તા, ડભોલી ચાર રસ્તાથી પાટીદાર સમાજની વાડી પહોંચી હતી. જેમાં પદાધિકારીઓ, હીરા ઉદ્યોગકારો, રત્ન કલાકારો, વિદ્યાર્થીઓ મળી અંદાજીત ૪૦,૦૦૦થી વધુ પદયાત્રીઓએ સ્વયંભુ જોડાઈને યાત્રાને ઐતિહાસિક બનાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા’ના આહ્વાનને સુરતની જનતાએ ઝીલ્યું છે. આજની આ તિરંગા પદ યાત્રામાં રત્ન કલાકારો ભાઈઓ, વિદ્યાર્થીઓએ જોડાઈને યાત્રાને ચાર ચાંદ લગાવી દીધા છે. દેશના સૌ નાગરિકો માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર બન્યો છે અને પ્રત્યેક નાગરિકોમાં દેશપ્રેમ છલકાયો હોવાનું તેમણે કહ્યું હતું.
આ મહા તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ પદયાત્રીઓને આવકાર્યા હતા. રત્ન કલાકારોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે સૌએ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં સહભાગી બની ‘વન્દે માતરમ’ના નારા સાથે રાષ્ટ્રીય ભાવના અને દેશની એકતાનો પરિચય કરાવ્યો હતો. સાથે જ આઝાદીના લડવૈયાઓના વેશભૂષા સાથે બાળકોએ આઝાદીના જંગનું સ્મરણ કરાવ્યું હતું.
આ તિરંગા પદયાત્રામાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી, હીરા ઉદ્યોગકાર સર્વશ્રી લાલજીભાઈ પટેલ, કેયુરભાઈ ગોટી, ભરતભાઈ કથીરીયા, વિરજીભાઈ પાલડીયા, સમાજ અગ્રણીશ્રી મગનલાલ ડોબરીયા, છગનભાઈ માંગુકિયા, રમેશભાઈ બોરડ સહિત સુરત ડાયમંડ એસો.ના હોદ્દેદારો, રત્નકલાકારો, સામાજીક અંગ્રણીઓ, હીરા વ્યાપારીઓ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા.