
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
પ્રધાનમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર લોકોને ટ્વીટર માધ્યમ દ્વારા શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ગુજરાતના સ્થાપના દિવસ પર, ગુજરાતના લોકોને મારી શુભેચ્છાઓ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય કેટલાક મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં ગુજરાત પ્રગતિ કરતું રહે. “
આજે 1 મે, 2022ના રોજ ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે. ગુજરાત સરકારે આ દિવસને “ગુજરાત ગૌરવ દિવસ” તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાતમાં અનેક મહાન કવિઓ અને લેખકો થઈ ગયાં.ગુજરાતની વાત આવે ત્યારે સૌથી પહેલા કવિ નર્મદ યાદ આવે. તેમની ગુજરાતના ગૌરવની ગાથા વર્ણવતી કવિતા ‘જય જય ગરવી ગુજરાત’ પ્રસિદ્ધ છે. કવિતા દ્વારા સમગ્ર ગુજરાતનો ઈતિહાસ, આબોહવા, સ્થાન, ધર્મ અને વીરતાનો પરિચય મળે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના અનેક મહાન વ્યક્તિત્વોની જન્મભૂમિ-કર્મભૂમિ ગુજરાત રહી છે. ભારતભરમાં ફક્ત ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આખું ભારત જોવાં મળશે, એટલે જ તો ગુજરાતી હોવાનું ગૌરવ દરેક ગુજરાતીઓને હોય છે.
દેશને સ્વતંત્રતા મળી તે વખતે ભાગલા પછી વર્ષ 1947માં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. વર્ષ 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી છે અને મહારાષ્ટ્રના લોકોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભકામનાઓ. આ રાજ્યએ રાષ્ટ્રીય પ્રગતિમાં અસાધારણ યોગદાન આપ્યું છે. રાજ્યના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હું મહારાષ્ટ્રના લોકોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.”