શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય દીકરી દિવસ-સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો.
વાવડી ગામની શ્રી સુખદેવજી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ” થીમ આધારિત કાર્યક્રમ યોજાયો;
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા.૧૮મી થી ૨૪મી જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને નર્મદા જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આજે તા. ૧૮/૦૧/૨૦૨૩ ને બુધવારના રોજ જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી ઇ.ચા જિલ્લા મહિલા અને બાળ વિભાગ અધિકારીશ્રી જે.બી.પરમારના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય દીકરી દિવસની” સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. નાંદોદ તાલુકાના વાવડી સ્થિત શ્રી સુખદેવજી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ”ની થીમ આધારિત કાર્યક્રમ થકી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાની ધોરણ – ૯ અને ૧૦ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સીગનેચર કેમ્પેનીંગ, બેટી બચાવો બેટી પઢાઓની પ્રતિજ્ઞા વાચન, ગુડ ટચ અને બેડ ટચ, મહિલાલક્ષી યોજનાઓ વિશે જિલ્લા મહિલા અને બાળ વિભાગના કર્મચારીઓ, મહિલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇશ્રી,પીબીએસસીના કાઉન્સેલરશ્રી, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિશ્રી દ્વારા કિશોરીઓને વિસ્તૃત પૂર્વક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કિશોરીઓને સેનેટરી પેડ અને મહિલા લક્ષી યોજનાઓના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા