
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારા પોલીસ સ્ટેશનમાં શી ટીમની પહેલ: ૬ વર્ષથી વિખૂટેલો પરિવાર ફરી એક થયો
દીકરાના ભવિષ્ય માટે માતા-પિતા ફરી જોડાયા, સાપુતારામાં માનવતાનું સુંદર ઉદાહરણ:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે શી ટીમ અને મહિલા બેઝ્ડ સપોર્ટ સેન્ટરના સંવેદનશીલ, સહાનુભૂતિસભર અને અસરકારક પ્રયાસોથી તૂટવાના આરે પહોંચેલો એક પરિવાર ફરીથી એકતા અને વિશ્વાસના બંધનમાં જોડાયો છે. આ ઘટના સમાજમાં માનવતાવાદી પોલીસિંગનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
મળતી માહિતી અનુસાર, એક મહિલા અરજદારે મહિલા સહાયતા કેન્દ્રમાં રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા છ વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. લગ્નજીવન દરમિયાન જન્મેલા દીકરાનું સંભાળ, ભરણ-પોષણ અને ઉછેર સંપૂર્ણપણે માતા તરીકે તેઓ જ સંભાળી રહ્યા હતા. દરમિયાન, દીકરાના શિક્ષણ માટે શાળામાં પ્રવેશ સમયે જાતિનો દાખલો, આવકનો દાખલો અને આધાર કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજોની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ હતી, પરંતુ પતિ તરફથી આ દસ્તાવેજો આપવામાં સહકાર મળતો નહોતો.
આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા બંને પતિ-પત્નીને સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. અહીં શી ટીમ અને મહિલા બેઝ્ડ સપોર્ટ સેન્ટરના અધિકારીઓએ સંયુક્ત કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષોની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને ખૂબ જ સમજદારીપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન અધિકારીઓએ દીકરાના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને ભાવનાત્મક સુરક્ષા માટે માતા-પિતાની સંયુક્ત હાજરી કેટલીઘણી અગત્યની છે તે સમજાવ્યું હતું. આ સંવેદનશીલ સમજણના પરિણામે પતિએ સ્વખુશીથી તમામ જરૂરી દસ્તાવેજો અરજદારને સોંપ્યા હતા.
આ ઉપરાંત, બંને પતિ-પત્નીએ ભૂતકાળના મતભેદોને પાછળ મૂકી ફરી એકસાથે જીવન વ્યતીત કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. આ હકારાત્મક પરિણામથી માત્ર એક પરિવાર તૂટતા બચ્યો નથી, પરંતુ દીકરાને માતા અને પિતાનો સંયુક્ત પ્રેમ, માર્ગદર્શન અને સુરક્ષા પણ પ્રાપ્ત થવાની રાહ ખુલ્લી થઈ છે.
આ સમગ્ર પ્રક્રિયામાં શી ટીમ અને મહિલા બેઝ્ડ સપોર્ટ સેન્ટરના માનવતાભર્યા અભિગમ, સંવેદનશીલ કામગીરી અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આવી પહેલો સમાજમાં વિશ્વાસ, સહકાર અને પરિવારના મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.



