
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારામાં પર્યટન પર્વ ૨૦૨૫-૨૬ ના પ્રારંભે જ ખાલી ખુરશીઓએ આયોજકોના દાવાઓને ચીરી નાંખ્યા:
સાપુતારામાં પર્યટન પર્વ ફેલ થવાના એંધાણ, ખાલી ખુરશીઓએ ખુલ્લી પાડી હકીકત:
ભીડ બતાવવાના નામે શાળાના બાળકોનો કડકડતી ઠંડીમાં ઉપયોગ, છતાં મેદાન રહ્યું સુમસાન:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં સાપુતારા નોટિફાઇડ એરિયા સંચાલિત સાપુતારા પર્યટન પર્વ ૨૦૨૫-૨૬ નો ધમધમાટ અને ભવ્યતાના બાંગ પોકારીને આયોજિત કરાયેલ પર્યટન પર્વ હકીકતમાં પૂરેપૂરો ઢોંગ અને દેખાડો સાબિત થયો છે. કાર્યક્રમના પ્રારંભથી જ દ્રશ્યો એવા નિરસ અને સૂકા લાગ્યા કે આયોજકોના તમામ દાવાઓ પળભરમાં ધરાશાયી થઈ ગયા હતા. પર્યટન પર્વમાં પ્રવાસીઓની હાજરી ગણતરીની રહી હતી, જેનાથી સમગ્ર આયોજનની કાર્યક્ષમતા અને આયોજનક્ષમતાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
પર્યટન પર્વના ઉદ્ઘાટન સમયે ભીડનો ભ્રમ ઊભો કરવા માટે કડકડતી ઠંડીમાં શાળાના નિર્દોષ બાળકોને કાર્યક્રમસ્થળે લાવવામાં આવ્યા હોવાની ચર્ચા ચકચારી બની. તેમ છતાં, આયોજકોની આ કસરત પણ નિષ્ફળ ગઈ. કારણ કે, કાર્યક્રમ સ્થળે ગોઠવાયેલી ખુરશીઓ મોટેભાગે ખાલી જ પડેલી જોવા મળી હતી. ખાલી ખુરશીઓ, સુમસાન માહોલ અને ઉત્સાહવિહોણું વાતાવરણ પર્યટન પર્વની ભવ્ય નિષ્ફળતાનું જીવંત ચિત્ર બની રહ્યું હતુ.
સ્થાનિક રહેવાસીઓ તેમજ બહારથી આવેલા થોડાક પ્રવાસીઓમાં પણ આ પર્યટન પર્વ પ્રત્યે કોઈ ઉત્સાહ, રોમાંચ કે રસ દેખાયો નહોતો. ભવ્ય પ્રચાર, મોટા દાવાઓ અને સરકારી બેનરો પાછળ છુપાયેલી વાસ્તવિકતા કાર્યક્રમના મેદાનમાં સંપૂર્ણપણે ઉઘડી પડી હતી. લોકોની ઉદાસીનતા એ સાબિત કરી દીધું કે પર્યટન પર્વ માત્ર કાગળ પર જ સફળ રહ્યો છે.
આ સમગ્ર દયનીય સ્થિતિને જોતા આગામી દિવસોમાં સાપુતારામાં આયોજિત પર્યટન પર્વ પૂરેપૂરો ફ્લોપ સાબિત થવાની શકયતાઓ વધુ ઘેરી બની રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, આયોજકો આ પર્યટન પર્વને બચાવવા માટે કોઈ નાટકીય પ્રયાસ કરશે કે પછી સાપુતારાનો પર્યટન પર્વ માત્ર જાહેરાતોના બેનર અને ખાલી ખુરશીઓમાં જ સીમિત રહી જશે.



