
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વઘઇ ખાતે ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની ઉપસ્થિતિમા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી;
આહવા: તા: ૯: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ૮મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમીત્તે નવસારી કૃષિ યુનિવર્સિટી-વઘઇ ખાતે વર્લ્ડ વિઝન ઇન્ડિયા એડિપી ડાંગ, અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તથા મીશન મંગલમના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની ચર્ચા વિચારણા સાથે, સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લાનાં મહિલા એડવોકેટ અને નોટરી શ્રીમતી વંદનાબેને મહિલા દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ સ્ત્રીનાં ચારિત્ર્ય વિશે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું વતું કે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. ભારત દેશમાં મહિલાને ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે, અને દેશનાં પ્રગતિમાં મહિલાઓનો ખુબજ મોટો ફાળો રહેલો છે.
નવસારી કૃષિ યુનિવેર્સિટીના પ્રિન્સીપાલ રૂચિતાબેન શુક્લાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે માહિતી આપી તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી.
એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર અંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સરિતા ગાયકવાડે પોતાના સંઘર્ષમય દિવસોને યાદ કરી જણાવ્યું હતું કે મહેનત કરશો તો ચોક્કસ તેનું ફળ મળશે. માટે ડર કે ભયને હંમેશા માટે દૂર કરો, અને આગળ વધતાં રહો. સખી મંડળના મહિલા પ્રમુખ ભારતીબેન મહિલાઓની હિંમતની વાત કરી મહિલા દિને શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સીડીપીઓ સોનલબેન, નવસારી કૃષિ યુનિવેર્સિટી-વઘઇ ના પ્રિન્સીપાલ શ્રી જે.જે પસ્તાગીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના રીચર્સ સાયન્ટીસ્ટ ડૉ. ડી ડી ચૌહાણ, જે.બી ડોબરીયા સિનિયર સાયન્ટીસ્ટ, હર્ષદ પટેલ, અને વર્લ્ડ વિઝન ઇન્ડિયાના અધિકારી શ્રી સંદીપ સોની (મેનેજર) તથા તેમની ટીમ, અને નવસારી કૃષિ યુનિવેર્સિટી ની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.