શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયો ‘વન આયુષ મહોત્સવ-૨૦૨૩’
–
વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલે ડાંગની ઓળખસમા જંગલોની ગીચતા વધારવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવાની કરી અપીલ
–
‘બામ્બુ હાટ બજાર’નું આયોજન કરીને વન વિભાગે મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણથી આદિવાસી પરિવારોની આજીવિકામાં વધારો કર્યો છે:– મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ
આહવા: ડાંગની પ્રકૃતિ અને સંસ્કૃતિને જાળવવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે, તેમ જણાવતા રાજયના વન પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે, ડાંગની ઓળખસમા જંગલોની ગીચતા વધારવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવાની અપીલ કરી હતી.
આહવા ખાતે યોજાયેલા ‘વન આયુષ મહોત્સવ-૨૦૨૩’ ના કાર્યક્રમમાં ઉદબોધન કરતાં મંત્રીશ્રીએ ડાંગની સહભાગી વન વ્યવસ્થા, પરંપરાગત વન ઔષધિઓનું જ્ઞાન ધરાવતા વૈધરાજો/ભગત મંડળીના સભ્યો, તથા જુદી જુદી વન યોજનાઓના લાભાર્થીઓની સાથે મળીને વન સંપદા, વનૌષધિઓનું વાવેતર કરી તેના જતન, સંવર્ધનની હિમાયત કરી હતી.
જરૂરિયાતમંદ કુટુંબ/પરિવારોને વન વિભાગની કલ્યાણ યોજનાઓમાં અગ્રિમતા આપી, જંગલો ઉપરનું ભારણ ઘટાડવાની અપીલ કરતાં વનમંત્રીશ્રીએ, ડાંગના પ્રવેશદ્વાર એવા વઘઇ સ્થિત બોટનિકલ ગાર્ડન ખાતે ‘બામ્બુ હાટ બજાર’નું આયોજન કરીને વન વિભાગે, મૂલ્યવાર્ધિત ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણથી આદિવાસી પરિવારોની આજીવિકામાં વધારો થશે તેમ જણાવ્યુ હતું.
વાંસ અને તેના વિવિધ ઉત્પાદનોના તાલીમ કેન્દ્રની મુલાકાત પણ એક યાદગાર સંભારણું છે તેમ જણાવતા મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે ‘વાંસ’ને ‘તૃણ’ ની કેટેગરીમાં સમાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ ખૂબ જ ઉપકારક કાર્ય કર્યું છે તેમ ઉમેર્યું હતું.
આદિવાસી કલ્યાણ અર્થે વનબંધુ યોજનાનુ કદ અને બજેટ વધારાની વિભાવના સ્પસ્ટ કરવા સાથે સહભાગી વન વ્યવસ્થાના લાભાર્થીઓના પ્રતિભાવો અહીની સફળતા વર્ણવી રહ્યા છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. ડાંગના જંગલનું રક્ષણ કરવાના ભાગરૂપે અહીના રાજવી પરિવારોને અપાતાં વાર્ષિક સાલિયાણા-શિરપાવનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ સ્થાનિક પ્રજાજનો જંગલનું સાચું મૂલ્ય સ્વયં સમજે તે આવશ્યક છે તેમ જણાવી જંગલ જાળવણીની જૂની પરંપરાગત પદ્ધતિઓના પુનઃ ઉત્થાનની પણ હિમાયત કરી હતી.
સહભાગી વન વ્યવસ્થાના સદસ્યોની આવકવૃદ્ધિ માટે નવી યોજનાઓ, પ્રોજેક્ટ્સને કાર્યાન્વિત કરવાની નેમ વ્યક્ત કરતાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોને કારણે અગ્રેસર થઈ રહેલા ‘પ્રાકૃતિક ડાંગ’ અભિયાનનો વ્યાપ વધારતા રાજ્યના અન્ય વિસ્તારોને પણ પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં આવરી લઈ, સ્વસ્થ સમાજ નિર્માણની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ કહ્યું હતું. ડાંગના પ્રાકૃતિક વ્યંજનો, ધન ધાન્યોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રશાસન અને સરકારના પ્રયાસોની જાણકારી આપતા વનમંત્રીશ્રીએ, વડાપ્રધાનશ્રીના ‘મિલેટ વર્ષ’ ની થીમ સાથેની ઉજવણી તેને વધુ લોકભોગ્ય બનાવશે તેમ જણાવ્યુ હતું.
ડાંગના પરંપરાગત આયુર્વેદિક ઔષધિય જ્ઞાનનો લાભ અને વ્યાપ વધારવા સાથે ભાવિ પેઢીને એક અણમોલ વારસો આપી જવાની અપીલ કરતાં મંત્રીશ્રીએ, હઠીલા રોગોને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા આયુર્વેદ વનોષધીઓમાં મોજૂદ છે તેમ જણાવ્યુ હતું. લુપ્ત થતી વનૌષધીઓના વ્યાપક વાવેતર સાથે સૌને જંગલ જાળવણીના વન વિભાગના પ્રયાસોમાં સહભાગી બનવાની હિમાયત પણ વનમંત્રીશ્રી આ વેળા કરી હતી.
વન વિભાગની કલ્યાણ યોજનાઓનો લાભ સ્થાનિક વન વિસ્તારમાં વસતા પ્રજાજનોને મળી રહ્યો છે તમે જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, વન વિભાગ દ્વારા આપવામાં આવતા લાભો સામે, વન વિસ્તારના લોકોએ પણ વન સંવર્ધન બાબતે જાગૃતિ દાખવવી પડશે તેમ જણાવ્યુ હતું. શ્રી પટેલે શુદ્ધ હવા, પાણી આપતા જંગલોને કારણે તંદુરસ્ત જીવન જીવવાની ઉપલબ્ધ તકની સાથે, ડાંગની ઓળખસમા જંગલોની જાળવણીનો સંદેશ ગુંજતો કર્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે વન વિસ્તારમાં સ્થાનિક રોજગારીના કાર્યક્રમો ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરવા સાથે, ડાંગના બાંબુ ઉદ્યોગ, મશરૂમની ખેતી, ઔષધિય પાકોનું વાવેતર, તથા ગૌણ વન પેદાશો થકી સ્વરોજગારીનો નવો માર્ગ નક્કી કરવાના સંયુક્ત પ્રયાસોની હિમાયત કરી હતી. સ્થળાંતરીત શ્રમિકોના પ્રશ્નોનું નિરાકરણ, સ્થાનિક રોજગારી છે તેમ જણાવતા પ્રમુખશ્રીએ વન જતન, સંવર્ધન બાબતે પણ જરૂરી જાગૃતિ દાખવવાની અપીલ કરી હતી.
રાજ્યના મુખ્ય વન સંરક્ષક એવા હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી એસ.કે.ચતુર્વેદીએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં વન એજ જીવન છે તેમ જણાવી સહભાગી વન વ્યવસ્થાની ભૂમિકા રજૂ કરી હતી. તેમણે વનોમાં વસતા આદિવાસી પરિવારો અને વન અધિકારીઓની સહભાગીદારીતા જંગલોના જતન માટે ખૂબ આવશયક છે તેમ કહ્યું હતું. શ્રી ચતુર્વેદીએ ભાવિ પેઢીને સમૃદ્ધ જંગલોનો વારસો આપી જવા માટે સૌને પ્રતિબદ્ધ બનવાની ભાવનાત્મક અપીલ પણ કરી હતી.
નિવૃત અને વરીસ્ઠ સનદી અધિકારી શ્રી સુદીપકુમાર નંદાએ તેમના ડાંગ સાથેના સંસ્મરણો વાગોળતાં વન આયુષ મહોત્સવની જરૂરિયાત, અને વન-વન્ય જીવોના જતન-સંવર્ધન બાબતે તેમના સ્વાનુભાવો વર્ણવ્યા હતા. શ્રી નંદાએ ‘કેનોપી’ સ્કીમ અને પરંપરાગત વનૌષધીઓના જાણકાર વૈધરાજો/ભગતોની ગુરુ-શીષ્ય પરંપરાને ફરી અગ્રેસર કરી, અહીના વૈધકીય જ્ઞાનનું દસ્તાવેજીકરણ થાય તે ભાવિ પેઢી માટે ખુબ જરૂરી છે તેમ કહ્યું હતું.
ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ વન વિકાસની સાથોસાથ સ્વ વિકાસ સાધવાની અપીલ કરતાં તેમના પ્રાસંગિક વક્તવ્યમાં સૌના સહયોગ સાથે ડાંગની ઓળખને બરકરાર રાખવાનો અનુરોધ કર્યો હતો. વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજાએ કાર્યક્રમનું વિવરણ રજૂ કરી, આહવાના વન આયુષ મહોત્સવને ડાંગ જિલ્લા માટે ઐતિહાસિક કાર્યક્રમ ગણાવ્યો હતો.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ અગાઉ, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ સ્થિત બોટાનીકલ ગાર્ડન, અને સો મિલ તથા વન તાલીમ કેન્દ્ર સહિત આહવા ખાતે જુદા જુદા મંડળો દ્વારા પ્રદર્શિત કરાયેલા સ્ટોલ્સની પણ જાત મુલાકાત લીધી હતી.
આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધવલીદોડ ગામના કલાકારોએ ડાંગી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તો બિલિઆંબા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના-સ્વાગત ગીત સહિત સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમને મંત્રીશ્રીએ રોકડ પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા. ડાંગના વૈધરાજો/ભગતોએ પણ મંત્રિશ્રી સહિતના મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત-અભિવાદન કર્યું હતું. તો માજી રાજવીઓએ પણ મહાનુભાવોને પરંપરાગત પાધડી પહેરાવી તીરકામઠું અર્પણ કર્યું હતું.
ડાંગના વન આયુષ મહોત્સવ દરમિયાન મુખ્ય સ્ટેજ ઉપરથી મહાનુભાવો દ્વારા વનલક્ષ્મી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ સાથે માલિકી, SHG ગૃપ, વાડી પ્રોજેકટ વિગેરે યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવા સાથે પરંપરાગત આયુર્વેદ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ ભગતો/વૈધરાજોનું સન્માન, અને પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયા હતા.
દરમિયાન નાયબ વન સંરક્ષણ (દ) શ્રી રવિપ્રસાદ રાધા ક્રિષ્ણનએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અંતે આભારવિધી ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ આટોપી હતી. કાર્યક્રમના અંતે વનમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફાયર રેપીડ રીસ્પોન્સ સ્કબોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી, વૃક્ષારોપણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ‘વન આયુષ મહોત્સવ-૨૦૨૩’ દરમિયાન વન વિભાગની માલકી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૧૬ લાભાર્થીઓને ૪૪.૪૨ કરોડ, અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ૨૪૫૭ લાભાર્થીઓને ૫૬.૫૧ કરોડ મળી કુલ ૩૪૭૩ લાભાર્થીઓને રૂ. ૧૦૦.૯૩ કરોડનો લાભ આપવામાં આવેલ છે. તદઉપરાંત સને ૨૦૨૨-૨૩ માં ૫૬૨ લાભાર્થીઓને કુલ: ૧૫.૪૩ કરોડનો લાભ આપવામાં આવેલ છે.
તો વનલક્ષ્મી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૪ જે.એફ.એમ.સી મંડળીઓને ૬.૫૯ કરોડ, અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ૩૩ જે.એફ.એમ.સી મંડળીઓને ૩.૬૭ કરોડ મળી વન વિભાગ ડાંગ દ્વારા કુલ ૭૦ જે.એફ.એમ.સી મંડળીઓને રૂ.૧૦.૨૬ કરોડનો લાભ આપવામાં આવેલ છે. તદઉપરાંત વન વિભાગ દ્વારા સને ૨૦૨૨-૨૩ માં ૨૧ જે.એફ.એમ.સી મંડળીઓને કુલ: ૧.૬૭ કરોડનો લાભ આપવામાં આવેલ છે.
ડાંગ વન વિભાગનાં કાર્યવિસ્તારમાં ૧૭ જંગલ કામદાર સહકારી મંડળીઓ કાર્યરત છે. વર્કીગ પ્લાન પ્રમાણે જે પરિપક્વ વૃક્ષ ક્ષેત્રની ફેલીંગ/માર્કિંગ નિયમો મુજબ સ્થાનિક જંગલ કામદાર સહકારી મંડળીઓ દ્વારા કાપણી કરવામાં આવે છે. કાપણીમાંથી કાપણી ખર્ચ બાદ કરતાં સરકારશ્રીની ચોખ્ખી આવકમાંથી ૨૦% લેખે છેલ્લા પાંચ વર્ષમાં ૮૪ જંગલ મંડળીઓને કુલ રૂ.૧૧.૧૯ કરોડ ચુકવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા સને ૨૦૨૨/૨૩ના વર્ષમાં ૧૪ મંડળીઓને રૂ.૧૧૩.૧૮ લાખ ચૂકવાયા છે. આ ૨૦% રકમ થી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે.
વાડી પ્રોજેકટ હેઠળ પ્રતિ લાભાર્થીને ૧૦ આંબા, ૧૦ કાજુ કલમ, ૧ પાણીની ટાંકી, ડ્રીપ ઈરીગેશન કરી આપવામાં આવેલ છે. આ વાવેતરોમાં લાભાર્થી શ્રમદાન તરીકે ૨૦ ટકા પોતાનો ફાળો આપશે. જેમાં ખાડાખોદવા, રોપાને બે વિડિંગ, રોપાને ખાતર, પાણી અને જાળવણી વગેરે કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. આજ દિન સુધી આ યોજના હેઠળ જિલ્લાના કુલ-૨૨૦૭ લાભર્થીઓને લાભ આપવામાં આવેલ છે.
વન વિભાગ ડાંગ દ્વારા ડાંગ જિલ્લામાં ક્લસ્ટર ડેવલોપમેન્ટ યોજના હેઠળ સને ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધી કુલ ૧૩૨ ગામોને આવરી લીધેલ છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબને ધ્યાનમાં રાખી આર્થિક વિકાસ અને આજીવિકા વૃદ્ધિ થાય જેના માટેની કામગીરી કરવામા આવેલ છે. આ કામો વિવિધ સ્વસહાય જુથો અને ગ્રામ્ય સમિતિઓ બનાવી તાલીમ આપી પ્રવૃતિ કરાવવામાં આવે છે. અત્યાર સુધી જિલ્લાના ૧૩૨ ગામોના ૮૭૭૬ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અન્વયે કુલ ૭૩૪૧વ્યક્તિગત હકકદાવાઓ નોંધાયેલ છે. તે પૈકી આજદિન સુધી કુલ ૩૬૩૧ વ્યક્તિગત હકકદાવાઓ જિલ્લા કક્ષાની સમિતિમાં મંજુરી કરી ૪૨૬૪.૮૯ હે.જંગલ જમીનની ફાળવણી કરેલ છે. આમ સરકારશ્રીનાં ૮.૦૦ લાખ પર હેક્ટર દીઠ જમીન કુલ કિંમત રકમ રૂ!. ૩૪૧.૧૯૧૨ કરોડ રૂપિયાની મિલકત આદિવાસી ભાઈઓને એનાયત થાય છે. ઉપરોક્ત વ્યક્તિગત મંજુર થયેલ દાવાઓની માપણી સરકારશ્રી કક્ષાએથી વાપકોસ અને વાઈલ્ડ એન્ગલ લી. અમદાવાદની એજન્સીને સોંપવામાં આવેલ છે. જે અન્વયે સદરએજન્સી દ્વારા ડાંગ જિલ્લામાં વ્યક્તિગત કુલ ૨૪૦૩ દાવાઓની મોજમાપણી કરી ૩૧૨૧.૬૬૨ હે. આરે જમીન ફરતે સ્ટોન ફિકસીંગની કામગીરી કરવામાં આવેલ છે. હાલ ઓમ ક્ન્સલટન્સી વડોદરાની એજન્સીને ૮૨૯ હેક્ટર જમીન માપણીની કામગીરી સોંપવામાં આવેલ છે. વન અધિકાર ધારાની કલમ-૩ (૨) ની ૧૩ માળખાકીય સુવિધા હેઠળ વન વિભાગ ડાંગનાં કુલ ૧૯૪ દરખાસ્ત મંજુર કરી ૮૯.૬૫૨૧ હે. જમીન વિકાસના કામો માટે મંજુર કરવામાં આવેલ છે.