
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
“ટીમ નર્મદા” અને રેલ્વેતંત્રના અધિકારીઓના સંકલનમાં સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સુપેરે નિભાવી કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે જરૂરી સૂચનાઓ સાથે પુરૂ પાડ્યું માર્ગદર્શન:
રાજપીપલા:- તા.૧૭ મી જાન્યુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી નવનિર્મિત કેવડીયા રેલ્વે સ્ટેશનના લોકાર્પણ અને કેવડીયા સુધીની નવી રેલ સેવાઓના પ્રારંભના સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રિય મંત્રીશ્રીઓ વગરે સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમના આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રેલ્વેતંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ ““ટીમ નર્મદા”” સાથે બેઠક યોજીને સંબંધિતોને સોંપાયેલી ફરજો જવાબદારીઓ-સુપેરે નિભાવી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટેની સૂચનાઓ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ. કે. વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર અને સુશ્રી વાણી દૂધાત, પ્રાયોજના વહિવટદારશ્રી બી. કે. પટેલ, અધિક કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબે, કેવડીયા કોલોનીના નાયબ કલેક્ટરશ્રી નિકુંજ પરીખ, પ્રાંત અધિકારીશ્રી કે. ડી. ભગત અને શ્રી દિપક બારીયા, પ્રોટોકોલ નાયબ કલેક્ટરશ્રી બી. એ. અસારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. કે. પી. પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવીલ સર્જન ર્ડા. જ્યોતી ગુપ્તા સહિત જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે કેવડીયા ખાતે ઉક્ત કાર્યક્રમની પૂર્વ તૈયારી, સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે જુદા જુદા વિભાગોને કોવિડ-૧૯ ની સરકારશ્રીની સ્થાયી સુચનાઓના અમલ સાથે જે તે વિભાગો સાથે સંકલનમાં રહીને સંબંધિતોને સોંપાયેલી આનુસંગિક તમામ કામગીરી અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવાની ખાસ હિમાયત કરી હતી.