
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ દરબારનું આયોજન: રાજવીશ્રીઓથી લઈને વહીવટીતંત્ર એક મંચ પર
હોળી પૂર્વે ગુંજશે ડાંગ દરબાર: ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ઐતિહાસિક લોકમેળાનું આયોજન
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાની અનોખી લોકસંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક એવા ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આયોજનને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા સેવા સદન સ્થિત સભાખંડમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં રાજવીશ્રીઓ, વેપારી મહાજનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આગામી મહિનાની સંભવિત તા. ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી, હોળી પૂર્વે ડાંગ દરબારના લોકમેળાનું આયોજન કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ‘ડાંગ દરબાર–૨૦૨૬’ના આયોજન પૂર્વે આહવાના મુખ્ય માર્ગ પર સી.સી. રોડનું કામ સમયસર પૂર્ણ થાય અને જનતાને આવાગમનમાં સરળતા રહે તે સુનિશ્ચિત કરવા માટે કલેક્ટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મેળા દરમિયાન લોકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તે માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે. સાથે જ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય સેવાઓ, પીવાનું પાણી, વિજળી પુરવઠો, પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છતા (સેનિટેશન) તેમજ સ્થાનિક અને બહારગામથી આવતા વેપારીઓ માટે પ્લોટ ફાળવણી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મેળો રાત્રિના ૮ થી ૧૨ વાગ્યા સુધી ચાલુ રહે તે બાબતે પણ સહમતિ સાધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારનો લોકમેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજાય છે અને હોળીના પાંચ દિવસ પૂર્વે આ મેળો યોજવાની પરંપરા રહી છે. સામાન્ય રીતે આ ઐતિહાસિક લોકમેળાનું ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવે છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રી દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનું સન્માન પણ કરવામાં આવે છે.
જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇન, રાજવી શ્રી તપતરાવ આનંદરાવ-દહેર, શ્રી ભવરસિંગ હસુસિંગ-લીંગા, શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ-વાસુર્ણા, શ્રી ત્રીકમરાવ સાહેબરાવ-પીંપરી, શ્રી કરણસિંહ યશવંતરાવ પવાર-ગાઢવી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે સહિત જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, નિવાસી અધિક કલેક્ટર એસ.ડી. તબીયાર, પ્રાંત અધિકારી કાજલ આંબલિયા, કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, આહવા મામલતદાર આર.એમ. મકવાણા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



