
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા :- રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા.૧૬/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી., ના ડાંગર માટે-૯૨ મકાઈ માટે-૬૧ અને બાજરી માટે-૫૭ જેટલાં ગોડાઉન કેન્દ્રો/એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા.૧૮૬૮/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂા.૧૮૮૮/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂા.૧૮૫૦/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂા.૨૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતાં ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધિત ગુજરાત રાજય નાગરિક પુરવઠા લી., ના તાલુકા ગોડાઉન ખાતે તા.૦૧/૧૦/૨૦૨૦ થી શરૂ થશે. જે તા.૨૦/૧૦/૨૦૨૦ સુધી ચાલુ રહેશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ / આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો. અધ્યતન ૭-૧૨ , ૮-અ રેકોર્ડસની નકલ, ફોર્મ નંબર-૧૨ માં પાક વાવણી અંગેની એન્ટ્રી ન થઈ શકી હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઇ.એફ.એસ.સી. કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે. ખેડુતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડુતોનો જથ્થો અસ્વિકૃત ન થાય રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુસ્કેલી જણાયતો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક સાધવાનો રહેશે, તેમ નાયબ જીલ્લા મેનેજરશ્રી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.