
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સરકારશ્રીની અનેકવિધ ક્રાંતિકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચી છે….પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને રોજગારીની તકો ઉભી કરી છે તેમજ સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇને અનેક બહેનો આત્મનિર્ભર બની છે…નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ
રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજપીપલા :- દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને નાંદોદ તાલુકાના “મહિલા શક્તિ કેન્દ્ર”ના સંયુક્ત ઉપક્રમે નાંદોદ તાલુકાનાં પ્રાત અધિકારીશ્રી કે.ડી.ભગત, પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, નાંદોદા તાલુકાના આયોજન અધિકારી-સહ-તાલુકા વિકાસ અધિકારીશ્રી મગનભાઈ વસાવા, મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી હસીનાબેન મન્સૂરી, રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહીત આંગણવાડી કાર્યકર, આશાબહેનો વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્રારા ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ પ્રાંસગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણક્ષેત્ર,આરોગ્યક્ષેત્ર,રાજકીયક્ષેત્ર સહિત અનેકવિધ ક્ષેત્રોમાં ભારતે મોખરાની સિધ્ધિ હાંસલ કરી છે,જેમાં મહિલાઓનો ફાળો પણ રહેલો છે. સરકારશ્રીની અનેકવિધ ક્રાંતિકારી યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાવો,વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્ટર, અભ્યમ-૧૮૧, મહિલા સહાયતા કેન્દ્ર, સ્વધારગૃહ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચી છે અને તે યોજના મહિલાઓ માટે આશિર્વાદરૂપ નિવડી છે. તેમજ સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવાનો શ્રી તડવીએ અનુરોધ કર્યો હતો. લોકોમાં શિૅક્ષણનું પ્રમાણ વધવાથી અનેક પ્રકારના દુષણોને તિલાંજલી પણ આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, આદિકાળથી લઇને આજદિન સુધી મહિલાઓનું સન્માન ભારત દેશે કર્યું છે. બહેનોને પુરુષ સમોવડી બનાવવાની સાથોસાથ દેશની મહિલાઓએ અવકાશયાનથી લઇને અમેરીકાની સંસદ સુધી ભારતીય નારીએ દેશનું નામ રોશન કર્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને રોજગારીની તકો ઉભી કરી છે તેમજ સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇને અનેક બહેનો આત્મનિર્ભર બની છે. તેની સાથોસાથ તાજેતરમાં જે બજેટ રજૂ થયું તેમાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગને માતબર રકમની ફાળવણી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી હસીનાબેન મન્સૂરીએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં મહિલાઓનું સ્થાન સન્માનિય છે અને આ સન્માન થકી જ દરેક ક્ષેત્રમાં મહિલાઓ સફળ થવા પામી છે, જેમાં ભારત દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અનેક મહત્વના હોદ્દાઓ પર મહિલાઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથોસાથ ભારત સરકાર અને ગુજરાત સરકારની ઘણી બધી યોજનાની માહિતી તેમણે પુરી પાડી હતી. વિવિધ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, મહિલા શક્તિ કેન્દ્રના સુશ્રી શીતલબેન માછી, પીરામલ ફાઉન્ડેશનનાના બ્લોક ટ્રાર્સફોર્મેશનના મેનેજર સુશ્રી આસ્માબેન વાણી અને નવદૂર્ગા હાઇસ્કૂલની ધો-૯ ની વિદ્યાર્થીની સુશ્રી ઋત્વિકાબેન વસાવાએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.
આ પ્રસંગે શ્રીમતી નંદનીબેન સોંલકીને ખેલ મહાકુંભમાં વર્ષ-૨૦૧૯-૨૦ અંડર-૧૯ વયજૂથમાં રાજયકક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ, સુશ્રી પ્રિયાબેન વાઘને વર્ષ ૨૦૧૯-૨૦ જિમ્નાસ્ટીક નેશનલ એવોર્ડ માટે, સુશ્રી માનસીબેન વસાવાને સરદાર પટેલ જુનિયર જિમ્નાસ્ટી માટે, નવદૂર્ગા હાઇસ્કૂલની ધો-૯ ની વિદ્યાર્થીની સુશ્રી ઋત્વિકાબેન વસાવાને વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર રાજ્યકક્ષાએ આવવા બદલ, ભદામ ગામના આંગણવાડી વર્કર સુશ્રી હેતલબેન પટેલને વર્ષ ૨૦૧૯-૨૦ માં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે યોશોદા એવોર્ડ અને શ્રીમતી નમીતાબેન મકવાણાને વર્ષ ૨૦૨૦-૨૧ માં જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક અને અચલા ફાઉન્ડેશન તરફથી શ્રેષ્ઠ કામગીરી કરવાં બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતાં. તેમજ અંતમાં ઉપસ્થિત સહુ કોઇએ “બેટી બચાવો બેટી પઢાવો” ના સામૂહિક શપથ લીધા હતાં
નાંદોદા તાલુકાના આયોજન અધિકારી સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી મગનભાઈ વસાવાએ સૌ કોઇને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં ભરતભાઇ પરમારે આભારદર્શન કર્યું હતું.


