શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
-આગામી ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાને સાકાર કરવા કિસાન કલ્યાણની અનેકવિધ યોજનાઓના અમલ સાથે સરકાર કટિબધ્ધ છે -સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોર:
-પ્રજા કલ્યાણની અનેકવિધ યોજનાઓના સુચારૂં અને પરિણામલક્ષી અમલ અને તે સંદર્ભના લોકોના હકારાત્મક પ્રતિસાદ સરકારશ્રીના સુશાસનનું ઉત્તમ ઉદાહરણ:
-ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત પેદાશોના વેચાણ : પ્રદર્શન પણ ખૂલ્લું મુકાયું
-“સાત પગલાં ખેડૂત કલ્યાણ “ અને માનવ ગરિમાં ,માનવ કલ્યાણ સહીતની વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય કિટ્સનું વિતરણ : શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર એનાયત:
રાજપીપલા: વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇજીના જન્મ દિને આજે રાષ્ટ્રીય સુશાસન દિવસની થયેલી રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્યમથક સહિત તમામ તાલુકાઓમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજપીપલામાં સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ અને ધરતીપુત્રો, પશુપાલકો અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી નીલભાઇ રાવ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ.નિલેશ ભટ્ટ નાંદોદના પ્રગતિશીલ ખેડૂતો સહિત ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત કિસાન કલ્યાણ કાર્યક્રમને સંબોધતા સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોરે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇજીના કાર્યકાળ દરમિયાન જનજાતિ કલ્યાણ મંત્રાલયના થયેલા પ્રારંભ સહિત અનેકવિધ ક્રાંતિકારી પગલાંઓનો ઉલ્લેખ કરી તેમની દેશ પ્રત્યેની સમર્પિત ભાવનાને શત્ શત્ વંદન કર્યા હતા.
સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોરે વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં સુશાસન માટે સરકાર કટિબધ્ધ છે, જેમાં ચિંતન શિબિર, જનસેવા કેન્દ્રો, સ્વાંત:સુખાય પ્રોજેક્ટ, ગતિશીલ ગુજરાત, લોક સંવાદ સેતૂ, સ્કૂલ હેલ્થ કાર્યક્રમ, મુખ્યમંત્રી માં વાત્સલ્ય યોજના, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ મહોત્સવ, જમીન અને પાણી સંરક્ષણ, સાબરમતી રીવરફ્રંટ ડેવલોપમેન્ટ યોજના, નિર્મળ ગુજરાત, બાયો મેટ્રિક રેશનકાર્ડ, ઇ-ગ્રામ, ઇ-ખરીદી, જ્યોતિ ગ્રામ યોજના, સોલાર પાર્ક, વાઇબ્રન્ટ ગુજરાત, ઇ-ધરા, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, કૌશલ્ય વર્ધન કેન્દ્ર, વનબંધુ યોજના વગેરે જેવી યોજનાઓના સુચારૂં અમલ અને તે સંદર્ભે લોકોના હકારાત્મક પ્રતિસાદ સરકારશ્રીના સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડે છે તેમ પણ શ્રી ભાભોરે ઉમેર્યું હતું.
શ્રી જશવંતસિંહ ભાભોરે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ખેડૂતો તેમની ખેતીની સાથે સમૃધ્ધ બની આગળ આવે તેમજ આગામી ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ છે, ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર કિસાન કલ્યાણની અનેકવિધ યોજનાઓના અમલ થકી પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાને પરિપૂર્ણ કરવાની દિશામાં તે જ ગતિથી આગળ ધપી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોરે વધુમાં કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ અંતર્ગત ૯૧,૪૬૩ લાભાર્થીઓનાં બેંક ખાતામાં ૧ થી ૬ હપ્તા પેટે કુલ રૂા.૧૦૯ કરોડની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઇ છે. કમોસમી વરસાદથી પાક નુકસાન પેટે ગત વર્ષે ૩૪.૧૪ કરોડની સહાય, આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત માલ પરિવહનની ખરીદી માટે ૮૯ ખેડૂતો માટે રૂા.૪૩.૪૦ લાખની જોગવાઇ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ૧૯૩૯ ખેડૂતો માટે રૂા.૫૮૧.૭૦ લાખની જોગવાઇ તેમજ સારી ગુણવત્તા વાળા બિયારણ પુરૂ પાડવા નિદર્શન પેટે ૭૮૯ ખેડૂતો કુલ રૂા.૮૩.૧૨ લાખની સહાય ચુકવવામાં આવી છે. જ્યારે ફાર્મ મિકેનાઇઝેશનના સાધન માટે ૨૮૪ ખેડૂતોને કુલ રૂા.૮૨.૧૮ લાખ અને સિંચાઇ સુવિધા માટે ૩૩૩ ખેડૂતોને કુલ રૂા.૩૮.૮૧ લાખની સહાય ચુકવાનાર છે.
શ્રી ભાભોરે આજના સુશાસન દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે DBT માધ્યમથી દેશભરમાં ૯ કરોડથી વધુ કિસાનોના બેંક ખાતામાં રૂા.૧૮ હજાર કરોડથી પણ વધુની જમા થઇ રહેલી રકમનો ઉલ્લેખ કરી ગુજરાતમાં વિવિધ કૃષિ કલ્યાણ યોજનાઓ અને પશુપાલન વિકાસ યોજનાઓ અંતર્ગત થયેલી અદ્વિતીય કામગીરીના ચિતાર સહિત લક્ષ્યાંક સિધ્ધિની વિસ્તૃત આંકડાકીય રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે કૃષિ, કોરોના અને ઇ-સેવા સેતૂ વિષયક ફિલ્મના કરાયેલ જીવંત પ્રસારણને મહાનુભાવો અને ધરતીપુત્રોએ નિહાળ્યું હતું તેમજ ટેક્નોલોજી થકી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી કરાયેલા જીવંત પ્રસારણમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને દિલ્હીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ તેમના સંબોધનમાં માર્ગદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે “સાત પગલા ખેડૂત કલ્યાણ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખેડૂતોને કિસાન પરિવહનમાં ૧૧ મુખ્ય ખેતી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ૨૩ ખુડૂતોને મંજૂરી હુકમો, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટૂંબને એક ગાય માટે નિભાવણીના ૫૦ લાભાર્થી અને પાકૃતિક કૃષિ કિટમાં ૭૫ ટકા સહાયના ૫૦ લાભાર્થીઓને સહાયના ચેક તેમજ સરકારનો છાંયડો યોજના હેઠળ ૫૫ લાભાર્થીઓને છત્રીઓ, માનવ ગરીમા યોજનામાં ૯ લાભાર્થીઓ, બે શ્રેષ્ઠ પશુપાલક લાભાર્થીઓને કિટ સહાયના ચેક અને માનવ કલ્યાણ યોજના હેઠળ ૬૦ લાભાર્થીઓને જુદી સાધન સહાય કિટ્સનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે સંસદસભ્યશ્રી જશવંતસિંહ ભાભોરે ગાય આધારિત પાકૃતિક ખેતી દ્વારા ખેત પેદાશોના વેચાણ પ્રદર્શનને પણ ખૂલ્લુ મુક્યુ હતું અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇને રસપૂર્વક નિહાળ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ.નિલેશભાઇ ભટ્ટ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને અંતમાં શ્રી ભરત પરમારે આભારદર્શન કર્યું હતું.